વર્ષનાં અંતિમ દિવસો ચાલી રહ્યા છે. કયાંક ખુશી તો કયાંક ચિંતાના વાદળો છે. વતન છોડીને મહાનગરોમાં બીજાને ત્યાં નોકરી, ધંધો કરતા લોકો દિવાળીના વેકેશનમાં વતન ભણી આવી રહ્યાં છે. ત્યારે તેઓના મનમાં કયાંક રંજ છે કે બાપ-દાદાએ વારસામાં આપેલી વ્હાલસોયી જમીન આજે બીજા લોકો વાવે છે અને હું બીજાને ત્યાં પોટલા ઉપાડું છું. આના કરતાં ગામના હવા, પાણી અને ખોરાક સારા, મહેનત કરતા સંતોષ તો મળે પણ પાણીની સારી સુવિધા કયાં? પૂરતા ભાવો મળશે ખરા? કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટી જેવા સમયે સરકાર ખરેખર મદદરૂપ બનશે ખરી? રોઝ-ભૂંડનો ત્રાસ, રાત ઉજાગરા કરીશ તો મારા પરિવારના સપના પૂરા કરી શકીશ ખરો? આ વ્યથા અને ચિંતા જગતના તાતની છે. એ.સી.વાળી ઓફિસોમાં બેસી જેને હળ શું કહેવાય ? ચાહ કેવા હોય ? કયારા અને નિક શેને કહેવાય ? એ ખબર નથી તેવા લોકો આજે ખેડૂતોના નામે આયોજન અને યોજના બનાવીને અધિકારીઓ અને કયાંક કયાંક નેતાઓ માલદાર બની ગયા અને ખેડૂતોની સ્થિતિ એની એ જ રહી છે ત્યારે ભગવાન નહિ આવે, ખેડૂતોનાં પ્રશ્ને ખેડૂતોએ જાગૃત થવું પડશે.
પ્રાકૃતિક ખેતી અને મિશ્ર પાક પધ્ધતિનાં માધ્યમથી ગરવા ગીરનારની ગોદમાં આવેલા જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાના છાલડા ગામના યુવા અને મહેનતું ખેડૂત શૈલેષભાઈ રવજીભાઈ રાદડીયાએ વર્ષ ર૦૧૬થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. સાથે સાથે તેઓ મિશ્ર પાકોનું વાવેતર કરે છે. જેના હિસાબે સંકલીત રોગ જીવાત નિયંત્રણ થાય છે.
શૈલેષભાઈ કહે છે, ‘આયોજન સાથે અને જાતે વેલ્યુએડીશન કરીને જાતે વેચાણ કરે તો ખરીદનારા અને સારું ખાવાવાળા મળી રહે છે.’ તેઓ કહે છે, ‘ચોમાસામાં ૧૦થી ૧પ વીઘા જમીનમાં કપાસનું વાવેવતર કરું છું. જેમાં અજમા, સુરજમુખી, મરચી, વરીયાળી, મકાઈ, અડદ, મગ જેવા મિશ્ર પાકોનું વાવેતર કરું છું. વિવિધ ફુલોના હિસાબે મધમાખી અને ફલાવરીંગ સારું રહે છે. જયારે કપાસની બે હાર મૂકીને ત્રીજી હારમાં હળદરનું વાવેતર કરું છું. કપાસની પહેલી વિણી લીધા પછી જયારે કપાસ નબળો પડે છે ત્યારે અન્ય પાકોની વદ્ધિ શરૂ થાય છે. આમ મિશ્ર પાકોમાં કવોલીટી અને ઉત્પાદન સારું મળે છે.
જયારે અડધી જમીનમાં ચોમાસા દરમ્યાન મગફળીનું વાવેતર કરેલ હોય તેમાં ચારેય બાજુ સુરજમુખી અને મગફળીમાં તુવેરનું વાવેતર કરું છું. કપાસ સિવાય કોઈપણ ખેત જણસ માર્કેટીંગ યાર્ડમાં વેચવા જતા નથી’ એમ શૈલેષભાઈનું કહેવું છે. તમામ ખેત જણસ ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકિંગ કરીને સારા ભાવોથી વેચાણ કરૂં છું. મગફળીમાંથી શિંગતેલ કઢાવીને ૪૦૦૦ રૂપિયે ડબ્બાનું વેચાણ કરૂં છું.
પ્રાકૃતિક ખેતી, યોગ્ય માર્ગદર્શન અને વૈજ્ઞાનિક પધ્ધતિ જો ખેડૂતો અપનાવશે તો જ ખેતીમાં ટકી શકાશે. મળવા જેવા શૈલેષભાઈ રાદડીયાનો સંપર્ક નં.૯૯રપ૭ ૧૧૮રપ છે.

:: તિખારો::
વિતેલી ક્ષણોનો હિસાબ અકબંધ રહેવા દે દોસ્ત કારણ કે એ સમયની ઈમાનદારી અને વફાદારી તને નહી સમજાય