સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા સાત દસકા કરતાં વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે. દિવાળીની રાત થતા જ સાવરકુંડલાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં યુવકો એકઠા થાય છે અને એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ માણે છે. સાવરકુંડલાની બજારમાં ખેલાતા આ ઈંગોરિયાના યુદ્ધને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે પહોંચે છે. ગુરુવારે રાત્રે પણ સાવરકુંડલાના અલગ અલગ વિસ્તારોમાં વર્ષોની પરંપરા માફક સામસામે ગોઠવાઈ ગયા હતા અને એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી નિર્દોષભાવે ખેલાતા યુદ્ધનો આનંદ માણ્યો હતો. સાવરકુંડલામાં ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાથી યુદ્ધ ખેલાતું હતું. સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લા સાત દાયકાથી ચાલી આવે છે. હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામસામા ગ્રૂપમાં વહેંચાઈ જાય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગતરાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઈંગોરિયા ફોડી નાખ્યા હતા.