ભાણેજના નવા કપડાં લઈ આવવા મુદ્દે માથાકૂટ થઈ હતી
ખાંભાના નવા માલકનેશ ગામે પિતરાઈ ભાઈઓમાં ભાણેજને કપડાં લઈ આપવા મુદ્દે થયેલી માથાકૂટ લોહીયાળ બની હતી. ભાઈએ જ ભાઈને છરીના ઘા મારી આંતરડા બહાર કાઢી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે સંજયભાઈ શામજીભાઈ જાદવ (ઉ.વ.૩૪)એ ભયલુભાઈ ભુપતભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા આરોપી બન્ને કાકા- મોટા બાપાના દીકરા હતા. તેમના સગા મોટા બહેન ખડાધાર મુકામે સાસરે હોય ત્યાં આરોપીએ જઇ તેમના મોટા બહેનના મોટા દીકરા હાર્દિકના નવા એક જોડી કપડા તેમને પુછ્યા વગર તેમના ઘરેથી લઇ આવ્યો હતો. તે બાબતે આરોપીને ઠપકો આપતા સારૂ નહોતું લાગ્યું અને માથાકૂટ કરી જેમ-ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાના ઇરાદે પેન્ટના નેફામાંથી છરી કાઢી ઘા મારીને પેટના બધા આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચીરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.