મહારાષ્ટ્રમાં બીજેપીની એક મોટી કાર્યવાહી સામે આવી છે. ભાજપે ૩૭ બેઠકો પર બળવો કરનાર ૪૦ બળવાખોરો સામે કાર્યવાહી કરી છે. ભાજપે આ બળવાખોરોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ શિવસેના-યુબીટી બળવાખોરો સામે કાર્યવાહી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે ૫ નેતાઓની હકાલપટ્ટી કરી હતી, જેમાં ભિવંડીના ભૂતપૂર્વ ધારાસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે તમામ પક્ષો બળવાખોરો પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. જેમ જેમ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ નેતાઓના બળવાખોર અવાજો પણ ગૂંજી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહાયુતિના નેતાઓને સૂચના આપી હતી કે કોઈ બળવાખોર ચૂંટણી લડે નહીં, જ્યારે હવે મહા વિકાસ અઘાડીના સાથી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ પણ બળવાખોરોને ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્રમાં ૨૮૮ વિધાનસભા બેઠકો માટે ૨૦ નવેમ્બરે મતદાન છે. આ બેઠકોના પરિણામ ૨૩ નવેમ્બરે જોહેર કરવામાં આવશે. આ વખતે ભાજપે સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજો ક્રમે કોંગ્રેસ અને પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ચોથા સ્થાને છે અને છેલ્લે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છઠ્ઠા સ્થાને છે.
મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે ૧૪૫ બેઠકો જરૂરી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ૧૦૫, શિવસેનાને ૫૬,એનસીપીને ૫૪, કોંગ્રેસને ૪૪ અને અન્યને ૨૯ બેઠકો મળી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ૯ કરોડ ૬૩ લાખ મતદારો હશે. અહીં ૫ કરોડ પુરૂષ મતદારો છે. અહીં એક લાખ પોલિંગ બૂથ પર મતદાન થશે. મહારાષ્ટ્રમાં દરેક બૂથ પર લગભગ ૯૬૦ મતદારો હશે. મુંબઈમાં પોલિંગ બૂથ વધારવામાં આવ્યા છે.