ખાંભા તાલુકાના ગીદરડી ગામે એક કિશોર સીમમાં માલઢોર ચરાવી રહ્યો હતો ત્યારે શિકાર માટે આવી ચડેલ સિંહે સૌપ્રથમ વાછરડા પર અને ત્યારબાદ કિશોર પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો. માત્ર ચોવીસ કલાકમાં જ સિંહ દ્વારા માણસ પર હુમલાની બીજી ઘટના અમરેલી જિલ્લામાં બની હતી. ખાંભાના ગીદરડી ગામનો નવસાદ લાલુભાઇ પઠાણ (ઉ.વ.૧૭) નામનો કિશોર આજે પોતાના માલઢોર લઇ સીમમાં ચરાવવા માટે ગયો હતો. આ સમયે એક સિંહ શિકારની શોધમાં આવી ચડયો હતો અને વાછરડા પર હુમલો કરી દીધો હતો. સિંહે અચાનક વાછરડાને પડતુ મૂકી નવસાદ પઠાણ પર પણ હુમલો કરી દીધો હતો. સિંહે તેને પીઠના ભાગે ન્હોર વડે અને દાંત બેસાડી દઇ ઇજા પહોંચાડી હતી અને બાદમાં નાસી ગયો હતો. ઘાયલ કિશોરને સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રીફર કરાયો હતો.