સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને સુરતમાં રહેતા ઉદ્યોગપતિએ પોતાના ખર્ચે ૭૦ વીઘા જમીન ખરીદીને તળાવ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે આજે પરિવાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી તળાવનું ખાતમુહૂર્ત કર્યું હતું. પરેશભાઈએ એવું પણ જણાવ્યું કે જો તમને કુદરતે કંઈક આપ્યું હોય તો વતનનું ઋણ ચૂકવવા કાંઈક સાર્વજનિક ઉપયોગી થાય તેવું કામ કરવું. તેમણે થોડા જ મહિના પહેલા જીરા અને આસપાસના વિસ્તારમાં ૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ગામ અને ગામના સીમાડાને હરિયાળુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સરોવરના ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, આ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.