મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિન્દુ મતોને એકત્રિત કરવા માટે ૬૫ હિન્દુ સંગઠનો સાથે મળીને સ્પેશ્યલ ૬૫ પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી વખતે આરએસએસ પ્રચારથી દૂર રહ્યો હતો એનો ફટકો ભારતીય જનતા પાર્ટીને પડ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાનું પુનરાવર્તન ન થાય એ માટે ભાજપે ફરી આરએસએસને સાથે લેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આથી હવે આરએસએસ મહારાષ્ટ્રમાં મતોનું સમીકરણ ભાજપના પક્ષે કરવા માટે મેદાનમાં ઊતર્યો છે. દરેક બેઠક પર ભાજપ અને મહાયુતિના ઉમેદવારતરફી વાતાવરણ તૈયાર કરવા માટે આરએસએસએ ‘સજગ રહો’ અને ‘એક હૈં તો સુરક્ષિત હૈં’નું સૂત્ર આપ્યું છે. આ અભિયાન કોઈના વિરોધમાં નહીં પણ જાતિ-જાતિ વચ્ચેના મતભેદ ખતમ કરવા માટે હાથ ધરવામાં આવશે. તાજેતરમાં ઇજીજી અને ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિની સેવાભાવી સંસ્થા સહિત ૬૫ જેટલાં બિનસરકારી હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં ભાજપના મતદારો પક્ષથી દૂર થઈ ગયા છે તેમને ફરી સાધવા લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે આ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આરએસએસના ચાર પ્રાંત છે. આ દરેક પ્રાંતમાં શાખા સ્તરે હવે બેઠકો યોજવામાં આવશે. હરિયાણામાં આવી રીતે ૧૬,૦૦૦ બેઠકો કરવાથી ભાજપને ફાયદો થયો હતો એટલે મહારાષ્ટ્રમાં આવી ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ બેઠકો યોજવામાં આવશે.
શાખા સ્તરની આગામી બેઠકોમાં આરએસએસ અને ભાજપ સમર્થક ઉપરાંત બીજા મતદારોને સહભાગી કરવામાં આવશે અને વોટબૅન્કની રાજનીતિ, એનાથી હિન્દુઓ પર થતી અસર, બંગલાદેશ અને રોહિંગ્યા મુસલમાનોની ચૂંટણીની ભૂમિકા અને એની અસર તેમ જ ચૂંટણીમાં રાજકીય દુશ્મની કાઢવામાં આવે છે એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. હિન્દુઓ જાતિઓમાં વિભાજિત ન થાય એના પર આ ચર્ચામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.