અમરેલી જિલ્લામાં સિંહો, દીપડા સહિતના વન્યપ્રાણીઓ ખેડૂતો અને મજૂરો ઉપર હુમલાઓ કરી રહ્યા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જોકે, હવે શ્વાનનો પણ ગ્રામ્ય વિસ્તારમાં આતંક વધી રહ્યો છે. ગત મોડી સાંજે બગસરા વિસ્તારમાં એક ખેડૂત પર શ્વાને હુમલો કર્યો હતો. બગસરાના ખેડૂત ચંદુભાઈ ટપુભાઈ કથીરીયા પોતાની વાડીમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક શ્વાને આવીને મોઢા ઉપર બચકા ભર્યા હતા. આ ઘટનામાં ખેડૂતે શ્વાનથી બચવા માટે મથામણ કરી હતી, પણ શ્વાને છોડયો ન હતો. ખેડૂત લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેઓને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ખેડૂતની હાલત અત્યંત ગંભીર બનતા વધુ સારવાર માટે મોડી રાતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં શ્વાન બાળકો, યુવાનો અને ખેડૂતો પર હુમલો કરી રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં વધુ ફફડાટ ફેલાયો છે.