આત્મા અમરેલી દ્વારા અમરેલીના અમરાપુર, કુંકાવાવ-વડીયાના અનીડા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે મુલાકાત
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, ખેતીલક્ષી માહિતીનું આદાન પ્રદાન
રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર સતત કાર્યરત છે.
અમરેલી જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સાથે કુંકાવાવના આત્મા સ્ટાફે અમરેલીના અમરાપુર, કુંકાવાવ-વડીયાના અનીડા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે ખેતીલક્ષી માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યુ હતું. ઘન જીવામૃતનું મહત્વ અને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં ગાયના મહત્વ વિશે પણ આત્મા સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા વડીયા સ્થિત ગૌવર્ધન ગૌશાળાની પણ મુલાકાત કરવામાં આવી હતી.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના ખેતીલક્ષી અનુભવો જણાવ્યા હતા. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે પ્રાકૃતિક કૃષિ વિષયક સેમિનાર, સંવાદ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સહિત મહિલા ખેડૂતો પણ જાડાઇને માર્ગદર્શન પ્રાપ્ત કરે છે.
ગુજરાત રાજય સરકાર દ્વારા ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ, સખીમંડળ અને ખેડૂત ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ માટે જરુરી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવી ખેડૂતોને વિતરણ કરવા જરુરી માળખાકિય સુવિધા માટે સંસ્થાઓ-ગ્રુપને પ્રોત્સાહન આપવા સહાય યોજના અમલી છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જરુરી જીવામૃત-ઘન જીવામૃત, બીજામૃત, પાક સંરક્ષણ શસ્ત્ર વગેરે બનાવવા માટે દેશી ગાય એ પાયાની જરુરિયાત છે. દેશી ગાય ન રાખી શકતા હોય કે દેશી ગાય ન હોય ત્યારે અસરકારક રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ મુજબ ખેતી થઇ શકતી નથી. આવું ન બને તે માટે રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ માટે
જીવામૃત – ઘન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકિય સુવિધાના નિર્માણ માટે રુ.૧.૨૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.
ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે રાજ્યના ખેડૂતોને જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પ્રાથમિક તબક્કે પ્રોત્સાહક પરિણામો જાતા રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવતા થયા છે.