ખેડૂતો રાત-દિવસ મહેનત કરી જાણે, રાત ઉજાગરા કરી જાણે. કારણ કે રાતે વાહુપો(રાત્રે ખેતીનું ધ્યાન રાખવા) ન જાય તો ભુંડ અને રોઝ જેવા ખેતીના દુશ્મનો ઉભા વાવેતરનો સોથ બોલાવી દે અને જયારે પોતાનો પાક તૈયાર થાય બળબળતી બપોરે થ્રેસર, હલરમાંથી બાજરો, જુવાર, ઘઉં કે અન્ય જણસ હાર્વેસ્ટીંગ કરેલ હોય, તડકાના સમયે તેને વાવલતા હોય એ દૃશ્ય એ.સી. વાળી ઓફિસોમાં બેસતા સત્તાધીશો અને જેને પેટનો ખાડો પુરવામાં જ મોંઘવારી દેખાય છે તેવા હોંશિયાર ગુલાબી ચામડીવાળાઓએ વિચાર કરવો રહ્યો. અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના યુવા અને પ્રગતિશીલ ખેડૂત લલીતભાઈ ગણપતભાઈ સુહાગીયા પાસે ૩પ વિઘા જેટલી જમીન છે. ગામડું છોડીને લલીતભાઈ સુરત ખાતે વ્યવસાય અર્થે મહેનત કરી રહ્યા હતા. તેવામાં તેના માતૃશ્રીને પેરેલીસીસનો હુમલો આવતા સારવાર દરમ્યાન ડોકટરે સાથે વાત કરતા કહ્યું કે આજે દૂધ, ઘી, શાકભાજી અને અનાજમાં વપરાતા બેફામ રસાયણો, કેમિકલ્સ અને મિલાવટના કારણે આવા બધા રોગો થાય છે. બસ ત્યારથી જ આ યુવાને મનમાં ગાંઠ વાળીને પ્રાકૃતિક ખેતી કરવી, મહેનત કરીને ભાવો પોતાના લેવા અને ખાનારને દવા, ખાતર વિના સારું પ્રાકૃતિક આપવું આ વિચાર સાથે ર૦૧૭માં ગાય આધારીત જીવામૃત, ઘનામૃતની શરૂઆતથી વાવેતર કર્યું. ઘણા મિત્રો અને પાડોશી હસવા લાગ્યા અને છાને ખુણે બોલવા લાગ્યા કે લલીત હેરાન થશે કે બાપ-દાદાની જમીન વેચી મારશે. લોકોની કલ્પના આજે ખોટી પડી છે. કારણ કે કાળમીંઢ પાણા તોડીને ખેતી કરતો ધરતીનો દીકરો એમ કાંઈ પાછો ના પડે. લલીતભાઈ કહે છે, ‘ચોમાસામાં ર૦ વિઘાની શીંગનું વાવેતર કરેલ અને લેબ ટેસ્ટ સાથે ઓર્ગેનિકસતાના સર્ટી સાથે ઘેર બેઠા ૧૮૦૦ના ભાવે મગફળીનું વેચાણ કરેલ. જે લોકો એક વખત મગફળી ખરીદે છે તે બીજા વર્ષે અવશ્ય આવે છે. કારણ કે સ્વાદમાં ફેર પડે છે.’ પ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી ડુંગળીનું વાવેતર કરે છે. સારૂ ઉત્પાદન અને સારા ભાવો મેળવે છે. જયારે પ વિઘા બિન પિયત જમીનમાં કોઠીંબાનું વાવેતર કરી તેની કાચરી બનાવીને વેચે છે. ચાલુ વર્ષે ૮૦૦ રૂપિયા કિલોના ભાવથી કાચરીનું વેચાણ પૂર્ણ કરેલ છે. કાચરીમાં મહેનત છે. જયારે વરસાદી વાતાવરણ હોય ત્યારે સુકવણીમાં પણ મહેનત થાય છે. જયારે શિયાળામાં ગત વર્ષે ૧પ વિઘાનો બાજરો વાવેતર કરેલ હતો. ગ્રેડીંગ-શોર્ટીંગ કરીને ૧૮૦૦ રૂપિયા મણના ભાવથી મહાનગરોમાં વેચાણ કરેલ. આમ જાડા ધાન્યમાં જંતુનાશક દવાઓ પહેલા નહિવત જરૂરત પડતી પરંતુ વર્તમાન સમય પ્રાકૃતિક ખેતી માટે સારો આવી રહ્યો છે. આ ઉપરાંત શિયાળામાં ઘઉંના વાવેતરમાંથી ઘઉંનો પોક બનાવીને રૂ.૩પ૦ના ભાવે વેચાણ કરેલ. ઉપરાંત ઉનાળુ વાવેતર જુવારનું કરીને મિલેટ ધાન્ય જુવારનું પણ વેચાણ કરે છે. વર્તમાન મહાનગરોની ઝાકમ-ઝોળ અને દેખા-દેખીએ ગામડાઓને ઝાંખપ લગાડી છે. સમય હંમેશા પરિવર્તનશીલ હોય છે. ખેતી સાથે જાડાયેલા લોકોની ભાવિ પેઢીને ખેતીમાં રસ નથી રહ્યો. જયારે સામાપક્ષે સરકારી નોકરીઓ સતત ઘટી રહી છે. બધા જ લોકો સફળ ઉદ્યોગપતિ કે કોન્ટ્રાકટર કે બિઝનેસમેન નથી બની શકવાના એ વાસ્તવિકતા છે. વાતો સંભળાઈ રહી છે. બિન ખેડૂતો ખેતી માટે જમીન ખરીદી કરી શકશે. જા આ કાયદો આવ્યો તો સમજજા ખેડૂતો ઉંચા ભાવે જમીનો વેચીને ૧૦ વર્ષ પછી પોતાના જ વેચેલા ખેતરોમાં ખેત મજૂર તરીકે કામ કરતા હશે.
ઘનશ્યામભાઈ જેવા બળુકા ખેડૂતોને મળવા જેવું ખરૂં. તેનો સંપર્ક નં. ૯૮૭૯૧ પર૭પર