મણિપુરમાં તાજેતરની હિંસા બાદ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. માત્ર વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જ નહીં પરંતુ ત્યાંના અનેક નાગરિક સંગઠનોએ પણ હિંસા પર કાબૂ મેળવવા અને કુકી આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ મણિપુરમાં બગડતી પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે. ખડગેએ રાષ્ટ્રપતિ મુર્મુને મણિપુરમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એ સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યના લોકો તેમના ઘરમાં શાંતિથી સન્માન સાથે રહે.કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મુને લખવામાં આવેલા બે પાનાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે મણિપુર સરકાર અને કેન્દ્ર છેલ્લા ૧૮ મહિનામાં મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પત્રમાં તેમણે કહ્યું કે રાજ્યમાં હિંસાને કારણે ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ત્યાં બગડતી કાયદો અને વ્યવસ્થાને કારણે લગભગ એક લાખ લોકો આંતરિક વિસ્થાપનનો શિકાર બન્યા છે. તેઓને બેઘર બનાવવામાં આવ્યા છે અને વિવિધ રાહત શિબિરોમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે.
પત્રમાં ખડગેએ લખ્યું, ‘હું માનું છું કે માનનીય મેડમ, ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ અને આપણા બંધારણના સંરક્ષક તરીકે, બંધારણીય ઔચિત્યનું જાળવણી તમારા માટે બંધારણીય રીતે ફરજિયાત બની ગયું છે. મણિપુરમાં આપણા પોતાના નાગરિકોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરો. તેમણે વધુમાં કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા કાર્યાલયના હસ્તક્ષેપ દ્વારા મણિપુરના લોકો ફરીથી સન્માન સાથે તેમના ઘરોમાં શાંતિથી જીવશે.
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. રાજ્યમાં હિંસા ચાલુ છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં જીરીબામમાં ત્રણ મહિલાઓ અને તેમના ત્રણ બાળકોની હત્યા બાદ તે વધી ગઈ છે. જીરીબામ ઘટનાના વિરોધમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તાજેતરના દિવસોમાં વિરોધીઓએ અનેક ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરી છે અને આગ ચાંપી છે. જીરીબામમાં પોલીસ ગોળીબારના કારણે એક પ્રદર્શનકારીના મોતનો પણ આરોપ છે. જેના કારણે તણાવ પણ વધી ગયો છે.હિંસાને જાતા આસામે મણિપુર સાથેની તેની સરહદ સીલ કરી દીધી છે. અસામાજિક તત્વો સરહદ પાર કરીને આસામમાં પ્રવેશ ન કરી શકે તે માટે સરહદ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તાજેતરની હિંસાના પરિણામે, સીએમ એન બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભારે દબાણ હેઠળ છે અને બિરેન સિંહને પદ પરથી હટાવવાની માંગ વેગ પકડી રહી છે. એનડીએ સાથી એનપીપીએ પણ મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચી લીધું છે અને નેતૃત્વ બદલવાની માંગ કરી છે.
મીતાઈ નાગરિક સંગઠને દરખાસ્તોની સમીક્ષા કરવા માટે રાજ્ય સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને જા તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે, તો તેઓ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે અને મણિપુરમાં તમામ રાજ્ય અને કેન્દ્રીય કચેરીઓ બંધ કરવામાં આવશે. મણિપુરમાં બગડતી પરિસ્થિતિને જાતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યમાં પાંચ હજાર વધારાના સેન્ટ્રલ ફોર્સ જવાનોને મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ નવી દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને મણિપુરના મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યા છે.