જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ છે. પ્રેમલગ્ન બાદ પત્નિ રિસાઈને માતા-પિતાના ઘરે જતી રહી હતી. તેની અદાવતમાં ગિન્નાયેલા બનેવીએ બજારમાં જ સાળાને પાટુ મારીને પાડી દીધો હતો. ત્યારબાદ લાકડાથી પેટના ભાગે ફટકા મારતા ગંભીર ઈજા પહોંચાડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પણ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. વડલી ગામમાં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પાડી દીધો હતો.
બાદમાં બનેવીએ લાકડું તેના પેટના ભાગે મારતાં ગંભીર ઇજાઓ થઈ હતી. પેટના ભાગે ઈજા થવાથી સાળાનું મોત થતાં મામલો મોડી રાતે હત્યામાં પલટાયો છે. આ ઘટનાને લઈ મોડી રાતે નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ હાથ ધરી પોલીસ દ્વારા મૃતકની લાશ જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી.
મૃતકના પિતાએ આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડવા માટે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી આરોપીને પકડવા માટેની કવાયત કરી છે.
મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઇ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન રોહિસા ગામના આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે હાલ તે વડલી ગામે રહેતી હતી. આરોપી રમેશભાઈ હેરાન પરેશાન કરતો હતો, જેના કારણે આરોપીની પત્નિ દયાબેન મનદુઃખના કારણે વડલી પિતાના ઘરે આવી જવાના કારણે આ મનદુઃખ રાખી તેમના સાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણીયા દ્વારા જોરથી પેટના ભાગે પાટુ મારી લાકડા વડે પેટના ભાગે મૂંઢ માર મારી ગાળો આપી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રવીણભાઈનું મોત થતાં મામલો હત્યામાં પલટાતા હત્યા થયા બાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.