ધરતીના સંતાનોએ રવી સિઝન એટલે કે શિયાળુ વાવેતરની શરૂઆત કરી દીધી છે. ગુજરાત રાજય ભૌગૌલિક રીતે ચાર ભાગમાં વહેચાયેલ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ. જમીન, હવામાન, વાવેતર, રીતભાત, બોલી બધુ જ અલગ-અલગ એકતામાં અનેકતાના ભાવ સાથે સમૃધ્ધ, સલામત અને પ્રયત્નશીલ ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાતની ખેતીમાં યુનિવર્સિટીનું કામ આજકાલ મંદ ગતિએ થઈ રહ્‌યું છે. જેની ખેતીમાં મુખ્ય ભૂમિકા છે એ જ અંગ કેમ પાંગળુ અને વામણું સાબિત થઈ રહ્યું છે એ સમજાતુ નથી, ગુજરાતના લાગણીશીલ અને મહેનતુ ખેડૂતો આ દિશામાં કયારે જાગૃત થશે એ ખ્યાલ મને નથી આવતો.
આજે ખેડૂતનાં ભણેલા-ગણેલા દીકરાની વાત કરવી છે. ભણેલા લોકોએ ખેતી, ખેડૂત અને ગામડાઓને હુંફ આપી હોત તો આજે ખેતીની આ અવદશા ન હોત પરંતુ કંઈક એવા માતૃભૂમિ અને ખેતી સાથે જાડાઈને સારૂ પરીણામ મેળવી રહ્યા છે. બી.એસ.સી. માઈક્રો બાયોલોજી સુધીનો અભ્યાસ કરીને ખેતરના ઢેફા ભાંગવા કોઈ ના આવે આ માન્યતા ૩૧ વર્ષિય નવયુવાન વિશાલભાઈ લવજીભાઈ જેસડીયાએ ખોટી પાડી છે. ઉચ્ચ અભ્યાસ પછી ચાર વર્ષ સારા પગારે નોકરી કર્યા પછી પોતાની ખેતીને ઈન્ડસ્ટ્રીઝમાં ફેરવવાની નેમ સાથે આણંદપર તા.કાલાવડ જિ.જામનગર ખાતે ૧૬ વિઘા જમીન ઉપર મોડેલ ફાર્મ ઉભુ કરી દીધું છે. મહાત્મા ગાંધીના ગ્રામોદયનાં વિચારને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ચિલા-ચાલુ ખેતીથી ઉપર ઉઠીને લોકોને શુધ્ધ અને સાત્વિક ખોરાક મળે, લોકો પોતાની જાતે ફળ-ફળાદી અને શાકભાજી ઉતારીને પોતાની રીતે રસોઈ બનાવે તેમજ વેચાણથી લઈ જાય તેવી ખૂબ સારી વ્યવસ્થા કરી છે. વિશાલભાઈનું કહેવું છે કે આ પધ્ધતિના હિસાબે લોકોને ખેડૂતોની મુશ્કેલીની ખબર પડે ઉપરાંત ગામડાઓની વિસરાતી અલગ-અલગ રમતો પણ અહીં રમવા મળે છે. વિશાલભાઈએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અશકય એવા વિવિધ શાકભાજીઓ અને ફળોનું વાવેતર કરેલ છે. યુરોપ ખંડના વિવિધ દેશોમાંથી ૬૦ થી ૭૦ જેટલી જાતોના ફળોના રોપાઓ લાવીને નર્સરી તૈયાર કરી છે. દેશમાં કદાચ આ પ્રથમ ખેડૂત હશે. હાલ સ્ટ્રોબેરી અને ગોલ્ડન બેરી બન્નેનું ઉત્પાદન આવે છે અને વેચાણ કરે છે. વિશાલભાઈ સ્ટ્રોબેરી વિશે વાત કરતા કહે છે. આ ચાર મહિનાનો પાક છે. ડ્રીપ, મલ્ચીંગ, વાવેતર ખર્ચ સહિત ખર્ચ ગણવામાં આવે તો વિઘે ૬૦ થી ૭૦ હજાર ખર્ચ આવે છે. જેનું રીટેઈલ વેચાણ કરે છે. ર થી ર.પ૦ લાખનું વિઘે ચાર મહિનામાં ઉત્પાદન મળે છે. સ્ટ્રોબેરીમાંથી જામ, સિરપ પણ બનાવે છે. જયારે ૬ વિઘા જમીનમાં ડ્રેગન ફુડનું વાવેતર કરેલ છે. જેમાંથી ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરે છે. ઉપરાંત ડ્રી હાઈડ્રેડ ચિપ્સ અને પાવડર બનાવીને વેચાણ કરે છે. જયારે ગોલ્ડન બેરીનું જયુસ બનાવીને વેચાણ કરે છે. યુરોપિયન પ્રદેશની વિવિધ શાકભાજી બ્રોકલી જે ફલાવર ટાઈપ થાય છે. ઉપરાંત ઝુકીની કાકડી જેવા ગ્રીન અને યલ્લો કલરમાં થાય છે. લેટયુઝ(ગ્રીન હાઉસમાં) સૈલરી, પ્રાંચલે જેવી અલગ-અલગ શાકભાજીઓનું વાવેતર કરેલ છે અને વેચાણ કરે છે. આવા અલગ-અલગ નવા શાકભાજી જાઈને લોકોને કુતુહલ થાય છે. શાકભાજી અને ફળો ઉપર રિસર્ચ કરે છે. તેમજ જૂનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ડેટા શેર કરે છે. તેમજ પોતાની પ્લાન્ટ નર્સરી આવેલી છે. વિશાલભાઈ કહે છે, “ખેડૂતોનાં દીકરાઓ ભણે-ગણે, ઉચ્ચ અભ્યાસ કરીને પોતાની બાપ-દાદાની ખેતી સાથે જાડાય. આજે દેશ અને દુનિયા નાના બની ગયા છે. માર્કેટીંગ થઈ શકે, સારું ઉત્પાદન મેળવી વેલ્યુએડીશન કરી શકાય તેમ છે. આ વ્યવસાય સામે પડકારો છે પણ નિરાંતનો ઓડકાર છે.” વિશાલભાઈનો સંપર્ક નં.૮૦૭૦૦ ૮૦૭૦૮ છે.

_ઃઃ તિખારો ઃઃ_
પરિવાર, સગા-સંબંધો, લાગણી, પ્રેમ આ સંબંધોમાં કયારેય સ્વાર્થ ન હોવો જાઈએ, વફાદારી હોવી જાઈએ. સંબંધોમાં સ્વાર્થના જન્મ પછી ધીમે-ધીમે પતનની શરૂઆત થાય છે.
આભાર – નિહારીકા રવિયા