રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અથડામણમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો કૌટુંબિક કામ અર્થે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક અથડામણમાં પીકઅપમાં મુસાફરી કરી રહેલી ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ૧૫થી વધુ લોકોને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે મોકલવામાં આવ્યા છે. મૃતક ચારેય મહિલાઓ સગી જેઠાણીદેરાણી છે. મોડીરાત્રે થયેલા આ ભયાનક અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. કૌટુંબિક કામ અર્થે જતા એક જ પરિવારની ૪ મહિલાઓના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.