મધ્યપ્રદેશના મુરેના શહેરમાં સોમવારે મધ્યરાત્રિની આસપાસ થયેલા વિસ્ફોટમાં ત્રણ મકાન ધરાશાયી થયા બાદ બે મહિલાઓના મોત થયા હતા. મંગળવારે સવારે થયેલી આ ઘટના વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ૫ અન્ય લોકો પણ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાઠોડ કોલોનીમાં બનેલી ઘટના બાદ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અધિક્ષક સમીર સૌરભે જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે સવારે કહ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને વિસ્ફોટનું કારણ જાણવા ફોરેન્સીક ટીમ પણ સ્થળ પર હાજર છે.
મુરેનાના અન્ય સમાચારમાં, મંગળવારે, એક મહિલા અને તેની પુત્રવધૂને ઘરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે સાંજે ઘરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. પોલીસ સબ ડિવિઝનલ ઓફિસર બિંદુ પરમારે જણાવ્યું હતું કે રાબિયા અને તેની સાસુ કથિત રીતે આગામી લગ્નની સિઝન માટે ઘરે ફટાકડા બનાવી રહ્યા હતા. બંનેની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને ઘરમાંથી ફટાકડા અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
મંગળવારે મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં પણ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. જિલ્લામાં વહેલી સવારે એક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતાં ચાર લોકોના મોત થયા હતા. મૈહર પોલીસ સ્ટેશનના પ્રભારી અનિમેષ દ્વિવેદીએ જણાવ્યું કે કાર નદી પાસે ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં સવાર ૪ લોકોને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. દ્વિવેદીએ કહ્યું કે તમામ પીડિતો કટની શહેરથી પન્ના જિલ્લામાં તેમના વતન જઈ રહ્યા હતા. મૃતકોની ઓળખ પન્ના જિલ્લાના દેવેન્દ્ર નગરના રહેવાસી શિવરાજ સિંહ (૫૦), સુખવિંદર સિંહ (૫૦), દામોદર સિંહ (૫૧) અને અરવિંદ સિંહ (૪૨) તરીકે કરવામાં આવી છે.