બાંગ્લાદેશમાં ફરી એક વાર હિન્દુઓને તેમના પંથના કારણે નિશાન બનાવાઈ રહ્યા છે. અને આ બધું અમેરિકાના તથાકથિત લિબરલ (અને લેફ્‌ટ) ડેમોક્રેટિક જા બાઇડેનના પ્રતાપે થઈ રહ્યું છે. અમેરિકાની કઠપૂતળી મોહમ્મદ યુનૂસને ત્યાં વડાપ્રધાન બનાવાયા. યુનૂસ એક અર્થશાસ્ત્રી છે. અર્થશાસ્ત્રી દેશને આર્થિક રીતે ડૂબાડે છે. મનમોહનસિંહનું આપણી પાસે ઉદાહરણ છે જ. આનું કારણ એ છે કે મનમોહન કે યુનૂસ જેવા કઠપૂતળી વડાઓ મુસ્લિમ મુસ્લિમ કટ્ટરતાને પ્રોત્સાહન આપે છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે છે અને તેના કારણે આર્થિક વિકાસ અટકી જાય છે. યાદ હોય તો, મનમોહનના સમયમાં જ મુસ્લિમોની સ્થિતિ પર સચ્ચર સમિતિનો અહેવાલ આવ્યો. મનમોહને જ કહ્યું કે દેશનાં સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મનમોહન સરકારમાં જ વક્ફ અધિનિયમમાં સુધારાઓ કરી વક્ફ ટ્રિબ્યૂનલને અસીમિત સત્તા સોંપી દેવામાં આવી. મનમોહનના સમયમાં ૨૦૦૮ના મુંબઈ ત્રાસવાદી આક્રમણને હિન્દુ ત્રાસવાદ નામ આપવાનું પહેલેથી ષડયંત્ર હતું. કાંગ્રેસના માનીતા પત્રકાર અઝીઝ બર્નીએ ‘૨૬/૧૧ આરએસએસ કી સાઝિશ’ પુસ્તક લખ્યું જેનું લોકાર્પણ સોનિયા ગાંધીના માનીતા નેતા દિગ્વિજયસિંહના હસ્તે બબ્બે વાર થયું. બાટલા હાઉસમાં અથડામણમાં ત્રાસવાદીઓ માર્યા ગયા તે પછી તત્કાલીન વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું કે આ ત્રાસવાદીઓની છબિ સોનિયા ગાંધીને દેખાડવામાં આવી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમ છતાં આ બધા ઉદારવાદી ! યુનૂસના શાસનમાં બાંગ્લાદેશનું વધુ ને વધુ ઇસ્લામીકરણ થઈ રહ્યું છે. ૧૯૭૧માં આપણા પૂર્વ બંગાળના સંસ્કૃતિ અને ભાષા પ્રેમી બાંગ્લા મુસ્લિમો અને હિન્દુઓએ ઉર્દૂ થોપવાનો વિરોધ કર્યો અને બંગાળી ભાષા જ અમારી ભાષા તેમ કહ્યું. પરિણામે પાકિસ્તાનની કઠમુલ્લા સેનાએ તેમના પર અસીમિત અત્યાચાર કર્યો. ભારતનો ટેકો હતો એટલે બાંગ્લાદેશ અલગ થઈ ગયો. બાંગ્લાદેશના રચયિતા ગણાતા શૈખ મુજિબુર્ર રહેમાનને આપણે એટલું માન આપ્યું કે નવી દિલ્લીમાં તેમના નામનો એક માર્ગ પણ છે !
બાંગ્લાદેશને આપણે સંભવ પ્રત્યેક મદદ તેની સ્વતંત્રતા પછી કરી. વીજળીથી લઈને ભૂમિ વિવાદ ઉકેલ્યો. પરંતુ બાંગ્લાદેશીઓએ આપણને શું આપ્યું? ઘૂસણખોરીની સમસ્યા. મત જિહાદ ! ભારતમાં અપરાધો ! મતબૅંકનું વધુ પુષ્ટ રાજકારણ ! ભારતને પીડા આપવાનો કોઈ અવસર છોડ્‌યો નહીં. અટલજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સરકાર હતી ત્યારે તો ભારત પર આક્રમણ કર્યું હતું.
હા, આક્રમણ. આજે તેને કોઈ યાદ નથી કરતું તે જુદી વાત છે. જ્યારે-જ્યારે દેશમાં મજબૂત સરકાર આવે છે ત્યારે દેશનાં શત્રુઓ મોટી સંખ્યામાં બધી તરફથી સક્રિય થઈ જાય છે. ૧૯૯૯માં બદમાશ પરવેઝ મુશર્રફે ભારત-પાકિસ્તાન વચ્ચે (અટલજીની અને નવાઝ શરીફની પહેલ) મિત્રતાને તોડવા કારગિલ પર આક્રમણ કરાવ્યું. તે વખતેય ડેમોક્રેટિક પક્ષની- બિલ ક્લિન્ટનની અમેરિકામાં સરકાર હતી. સેક્યુલર બેગમ બરખા દત્ત કારગિલ સીમાએ જઈ પહેલા લાઇવ યુદ્ધ રિપાર્ટિંગના બહાને ભારતીય સેનાની માહિતી આપી રહી હતી તેમ છતાં ભારતની સેનાએ જડબાતોડ ઉત્તર આપ્યો એટલે નવાઝ શરીફને અમેરિકા પાસે ધા નાખવી પડી ને બિલ ક્લિન્ટને યુદ્ધ વચ્ચે અટલજીને વાશિંગ્ટન બોલાવ્યા હતા, પરંતુ અટલજી લાલબહાદુર શાસ્ત્રી કે ઈન્દિરા નહોતા. તેમણે ના પાડી દીધી અને કહ્યું કે પહેલાં યુદ્ધ અટકાવે પછી જ કોઈ મંત્રણા થશે. પાકિસ્તાનને નામોશી વેઠવી પડી.
હારેલો જુગારી બમણું રમેની જેમ ૨૦૦૧ના ડિસેમ્બરમાં સંસદ પર કાંગ્રેસના કન્હૈયાકુમાર માટે પૂજનીય ત્રાસવાદી અફઝલ ગુરુના માસ્ટરમાઇન્ડથી આક્રમણ થયું. પરંતુ તે પહેલાં એ જ વર્ષે ૧૬ એપ્રિલે ભારતની એક બીજી સીમા પણ સક્રિય થઈ હતી. તે હતી બાંગ્લાદેશની સીમા.
એ દિવસે બાંગ્લાદેશી અર્ધ સૈન્ય દળોના ૮૦૦થી ૧૦૦૦ જવાનોએ ભારતના પીરદિવાહ ગામ (જેને પદુઆ પણ કહે છે) પર આક્રમણ કરી તેના પર આધિપત્ય કરી લીધું. તેના પરિણામે સર્જાયેલા સંઘર્ષમાં આપણા સુરક્ષા દળના ૧૬ જવાનોને નૃશંસ રીતે બાંગ્લાદેશી જવાનોએ મારી નાખ્યા. આ એ જ પીરદિવાહ હતું જ્યાં ૧૯૭૧માં ભારતના સૈન્યએ પાકિસ્તાન સામે લડતા બાંગ્લાદેશના લોકોને સૈન્ય પ્રશિક્ષણ આપ્યું હતું !
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે મુસ્લિમોની બહુમતી થઈ છે અને કટ્ટરતા વધી છે ત્યાં-ત્યાં અન્ય પંથીઓની સ્થિતિ કફોડી જ થાય છે. પછી એ અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ. હવે બાંગ્લાદેશમાં લેફ્‌ટ-લિબરલ મોહમ્મદ યુનૂસના શાસનમાં, દેશને સેક્યુલરમાંથી ઇસ્લામિક બનાવવા હિલચાલ ચાલી રહી છે ! એટર્ની જનરલ મોહમ્મદ અસજ્જમાંએ ઉચ્ચ ન્યાયાલયમાં એક સુનાવણીમાં બંધારણમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની માગણી કરી. તે પહેલાં ઈ. સ. ૧૯૮૮માં ઇસ્લામ બાંગ્લાદેશનો સત્તાવાર પંથ ઘોષિત કરાયો હતો. ત્યાં શૈખ હસીનાની સરકાર ભારતમિત્ર ગણાય છે, પરંતુ તેમના શાસનમાં જ ૨૦૦૧માં ઉક્ત ઘટના બની હતી. એટલે સરકાર કોઈ પણ હોય તેને કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કરવું જ પડે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં શૈખ હસીનાએ કટ્ટરવાદીઓ પર વધુ તડાપીટ બોલાવી હતી. અને એટલે જ અનામત વિરોધી આંદોલનના નામે સુનિયોજિત રીતે (જેનો સ્વીકાર મોહમ્મદ યુનૂસ પોતે અમેરિકામાં કરી ચૂક્યા છે) શૈખ હસીનાની સરકાર ઉથલાવાઈ તે પછી કટ્ટરવાદીઓ હવે અનિયંત્રિત બન્યા છે, જેને યુનૂસની સરકાર પણ એક અથવા બીજી રીતે પ્રોત્સાહિત કરી રહી છે, જેમ કે યુનૂસ સરકારમાં પંથીય બાબતોના સલાહકાર અબ્દુલ ફાયેઝ મોહમ્મદ ખાલીદ હુસૈને કહ્યું કે સાઉદીની જેમ બાંગ્લાદેશમાં પણ મદીના જેવી મસ્જિદ બનાવાશે.
ત્યાંના ઉચ્ચ ન્યાયાલયે તો કુરાન અને મોહમ્મદ પયગંબરની નિંદા માટે મૃત્યુદંડ હોવો જોઈએ તેવું કહ્યું. એટલે પાકિસ્તાન જેવી સ્થિતિ ત્યાં થવાની શક્યતા પૂરેપૂરી છે. તેનો પ્રારંભ થઈ પણ ચૂક્યો છે. ગત ચાર સપ્ટેમ્બરે ત્યાંના ખુલનાના એક હિન્દુ છોકરા ઉત્સવ મંડલને મુસ્લિમોના ટોળાએ ઢોર માર મારી મારી નાખ્યો. તેના પર સાશિયલ મીડિયા પર મોહમ્મદ પયગંબરની ટીકા કરવાનો આક્ષેપ હતો.
યુનૂસની સરકારે ગત નવરાત્રિમાં દુર્ગા પૂજા દરમિયાન બંગાળી હિન્દુઓને નમાઝના સમય દરમિયાન સંગીત વગાડવાનું બંધ કરવા આદેશ આપ્યો હતો. તેમાં આ ઇસ્કાનના સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ વધુ એક પગલું છે. ચિન્મય કૃષ્ણદાસનો વાંક એ હતો કે તેઓ બાંગ્લાદેશમાં બળવા પછી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર માટે સતત બોલી રહ્યા હતા. ચિન્મય કૃષ્ણદાસને જામીન પણ નથી મળ્યા. અને આપણે ત્યાં જુઓ. દિલ્લીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અબ્દુલ્લાહ બુખારીએ પોતાની જાતને આઈએસઆઈ એજન્ટ ગણાવ્યા હતા અને સરકારમાં સાહસ હોય તો પોતાની ધરપકડ કરી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો. પરંતુ તેઓ છૂટા ફરતા રહ્યા. કોરોના કાળમાં મૌલાના સાદ પ્રતિબંધો છતાં તબલીગી જમાતની બેઠક બોલાવે અને દેશ-વિદેશના જમાતીઓ તેમાં ઉપસ્થિત રહે અને પોલીસ સ્ટેશન પાસે જ તેનું મરકઝ હોય તોય પોલીસ કંઈ ન કરી શકે ! સિત્તેર વર્ષોમાં કેટલી હદે તુષ્ટિકરણ થયું છે કે પોલીસ પણ કંઈ ન કરી શકે ! અને એ જ પોલીસ અમદાવાદથી માંડીને અન્યત્ર, ફ્‌લેટની અગાશી પર ચાર જણા કેરમ રમતા હોય તો પણ તેને પકડતી હતી અને કાર ડ્રાઇવ કરતી વખતે સહેજ માસ્ક ખસી ગયું હોય તો પણ કારચાલકને પકડતી હતી. દેશભરના પોલીસ જવાનોના મનમાંથી પણ આ તુષ્ટિકરણ કે ભય કાઢવાની આવશ્યકતા છે. જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે અવાજ ઉઠાવવો એ દેશદ્રોહ છે કારણકે યુનૂસની સરકારે તેમને દેશદ્રોહના આરોપમાં પકડ્‌યા છે. ભારતમાં તો સર્વોચ્ચ ન્યાયાલય પણ દેશદ્રોહનો કાયદો હટાવવા દબાણ કરતી હતી અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર સીએએ વિરોધી પ્રદર્શનમાં થયા ત્યારે કહ્યું હતું કે આ સૂત્રોચ્ચાર દેશદ્રોહ નથી ! ટૂંકમાં ઉદારવાદી હોવું એટલે ભારત વિરોધી હોવું. ઉદારવાદી હોવું એટલે હિન્દુ વિરોધી હોવું. ઉદારવાદી હોવું એટલે મુલ્લાઓના ઇસ્લામ તરફી હોવું. ઉદારવાદી હોવું એટલે ભારતીય પરંપરાના વિરોધી હોવું. ઉદારવાદી હોવું એટલે ભારતીય ભાષાના વિરોધી કામેડીના નામે ‘લવારી’ કરવી. ઉદારવાદી હોવું એટલે આયુર્વેદ અને યોગના વિરોધી હોવું.
સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પછી હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યાં તો તેના પર યુનૂસની પોલીસે દમનચક્ર ચલાવ્યું. ઢાકા યુનિવર્સિટીના જગન્નાથ હાલમાં પ્રદર્શન કરી રહેલા હિન્દુઓ પર અજ્ઞાત લોકોએ લાઠી-ડંડા સાથે આક્રમણો કર્યાં. તેમાં ૨૦થી વધુ પ્રદર્શનકારી ઘાયલ થયા. રંગુનિયામાં કટ્ટરવાદીઓએ ઇસ્કાનના ભક્તોની હત્યાનું સાર્વજનિક રીતે આહ્‌વાન કર્યું. ચિત્તગોંગમાં કટ્ટરવાદીઓએ કાલી મંદિર પર આક્રમણ કર્યું તો છત્તોગ્રામમાં કટ્ટરવાદીઓએ એક મંદિરને સળગાવી દીધું ! પરંતુ યુનૂસની સરકાર હિન્દુઓ પર અત્યાચાર હોવાનું માનતી નથી.
આ બધું ડીપ સ્ટેટના સંકેત પર થઈ રહ્યું છે. ડેમોક્રેટિક પક્ષ-જા બાઇડેનના આશીર્વાદ છે. ભારત કરતાં અમેરિકા ઘણી બધી રીતે આગળ હશે પરંતુ ત્રણ બાબતમાં નિશ્ચિત રીતે પાછળ છે. તે છે મતદાન. આટલા મોટા દેશ- હવામાનની વિવિધતા, ભૌગોલિક વિષમતા અને આટલી મોટી જનસંખ્યા છતાં મતદાન શાંતિપૂર્ણ અને સુરક્ષા વચ્ચે થઈ જાય છે. કરોડો લોકો મતદાન કરે છે. મતગણતરી એક જ દિવસમાં પતી જાય છે. અને ઇવીએમ જેવા યંત્રથી મતદાન થાય છે. અમેરિકામાં આજેય મતપત્રકથી મતદાન થાય છે. અમેરિકાનું ઇવીએમ હૅક થઈ શકે તેવું બનાવાયું છે. ભારત પાસે માગે તો ભારત વેચી શકે. પણ વટનો પ્રશ્ન આવી જાય ! ‘ઍક્સ’ (ટિ્‌વટર)ના સ્વામી એલન મસ્કે એટલે જ ઉભરો ઠાલવ્યો કે “ભારતમાં ૬૪ કરોડ મત એક જ દિવસમાં ગણાઈ ગયા, જ્યારે અમેરિકામાં કેલિફાર્નિયામાં હજુય મતગણતરી ચાલી રહી છે.’ ત્રીજી બાબત છે- ચૂંટણી નવેમ્બરમાં થઈ જાય છે, પરંતુ નવા પ્રમુખને સત્તા બે મહિના પછી મળે છે. આ બે મહિનામાં હારેલા પ્રમુખ કેટલી સખળડખળ કરી શકે ! અને બાઇડેન એ કરી રહ્યા છે.
તેમણે યુક્રેનને મિસાઇલ અને એન્ટી પર્સાનેલ લેન્ડ માઇન આપી અને યુદ્ધ ઓર ભડકાવ્યું. પરિણામે રશિયાએ પણ યુક્રેન પર ઇન્ટરકાન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ) ઝીંકી વિનાશ વેરી દીધો. આ તરફ, અદાણી સામે ભારતમાં અને તે પણ કાંગ્રેસ અને તેના સાથી પક્ષો શાસિત રાજ્યોમાં ભૂતકાળમાં સૌર ઊર્જા પ્રાજેક્ટ માટે કથિત રીતે સરકારી અધિકારીઓને લાંચ આપવાના આક્ષેપ બદલ કોઈ જિલ્લા કક્ષાના વકીલે નિવેદન આપી ભારતના અર્થતંત્રને ફટકો મારવાનો પ્રયાસ કર્યો. આ વખતે અમેરિકાના પ્રમુખ પદે બેસતા પહેલાં ટ્રમ્પનું હામવર્ક પાકું છે. ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને ટિ્‌વટર સ્વામી એલન મસ્કને વહીવટીતંત્રમાં રહેલા અક્ષમ (ડીપ સ્ટેટ તરફી એમ વાંચો) અધિકારીઓને વીણીવીણીને બહાર કાઢવાનું કામ સોંપી દીધું છે. એટલે એ પદ પર આવ્યા પછી ડીપ સ્ટેટનું આવી બનવાનું છે, પરંતુ જતા-જતાં ઘા કરતા જવાની ચાલ છે.
ડીપ સ્ટેટ બાબતે તો હવે કાંગ્રેસના નેતા અને અત્યાર સુધી કેજરીવાલથી માંડીને હેમંત સોરેન સુધી અનેક વિપક્ષી નેતાઓના કેસો લડનાર અભિષેક મનુ સિંઘવી પણ સંમત છે. તેમણે ‘ઍક્સ’ પર ટ્‌વીટ કર્યું કે ‘બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ એ પડી ભાંગેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ઉદાહરણ છે અને તે બતાવે છે કે બાંગ્લાદેશને કોઈ સરકાર નહીં, પરંતુ કટ્ટરવાદીઓ ચલાવે છે- ચોક્કસ રીતે કહીએ તો ડીપ સ્ટેટ.’
અને એ ડીપ સ્ટેટના એક આગેવાન છે જ્યાર્જ સોરોસ જે નરેન્દ્ર મોદીને હરાવવા માટે કટિબદ્ધ હતા અને બધા પ્રયાસો કરી જોયા, પણ સફળ ન થયા. એ સોરોસના પુત્ર એલેક્ઝાન્ડર સોરોસ પણ એવા જ છે. તેમણે હજુ ગઈ ત્રીજી આૅક્ટોબરે જ યુનૂસની મુલાકાત કરી અને ‘ઍક્સ’ પર લખ્યું, ‘મારા પિતાના મિત્રને મળીને આનંદ થયો, જેઓ સમાનતા અને ન્યાયના આધારે બાંગ્લાદેશને શાંતિપૂર્ણ ભવિષ્ય તરફ લઈ જવા આગળ આવ્યા છે.” શું આ યોગાનુયોગ નથી કે સોરોસપુત્રની મુલાકાત પછી બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા વધુ એક વાર ભડકી ઊઠી? બોલો, ક્યાંય દેખાય છે બાંગ્લાદેશમાં સમાનતા? ન્યાય? પણ પોતાના તરફી હોય એટલે આવું કહેવાનું ! આ જ તો છે ઇકા સિસ્ટમ ! બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના બીજા તબક્કામાં ન તો અમેરિકા કંઈ બોલ્યું છે, ન તો જર્મની. નહીંતર આ બંને દેશે એક ખોબા જેવડા દિલ્લી રાજ્યના મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ વખતે ચિંતા વ્યક્ત કરી હતી. (હા, ટ્રમ્પ જરૂર બોલ્યા છે. પરંતુ એ અત્યારે પ્રમુખ નથી.) નથી ગુજરાતના ટ્‌વીટ બહાદુરો કંઈ છાતી પીટી-કૂટીને બેધડક બોલ્યા. ભારતે- મોદી સરકારે વેળાસર બાંગ્લાદેશના હિન્દુઓ મુદ્દે નક્કર હસ્તક્ષેપ કરવો પડશે. જાહેરમાં, ખાનગીમાં, કાન આમળીને, હાથ મરોડીને કે પછી જરૂર પડે બે ધોલ મારીને પણ બાંગ્લાદેશમાં આ અત્યાચાર અટકાવવો પડશે. ‘બટેંગે તો કટેંગે’ના સૂત્ર પર માત્ર ‘મત બટોરેંગે’ ન ચાલે.