* ઘઉં
* ગેરૂ રોગના લક્ષણો:
* પાનનો બદામી ગેરુ
આ રોગના લક્ષણો ખાસ કરીને પાન અને આવર્તક પર્ણતલ પર જોવા મળે છે. પાન પર ગોળ ટાંચણીના માથા જેવાડાં નારંગી રંગના ઉપસી આવેલા ટપકાં જોવા મળે છે. મોટાભાગે આ ટપકાં છૂટા રહે છે. આ ટપકામાં નારંગી રંગના ફૂગના બીજાણુંઓ રહેલ હોય છે જે રોગના ફેલાવા માટે જવાબદાર છે. પાક પાકવાની અવસ્થાએ આ ટપકાનાં રંગમાં પરીવર્તન થઈ કાળા બને છે.
* દાંડીનો ગેરુ ( સ્ટેમ રસ્ટ)
આ રોગ પાકની પાછલી અવસ્થાએ જોવામાં આવે છે. રોગની શરૂઆતની અવસ્થામાં કથ્થાઈ રંગના ચાઠાં પાનની બંને બાજુએ અને છોડની દાંડી પર જોવા મળે છે. જયારે રોગની તીવ્રતા વધી જાય ત્યારે પ્રકાંડ, ડૂંડી તેમજ મુછ પર પણ રોગના ટપકાં જોવા મળે છે. આ ટપકાં સમય જતાં એકબીજા સાથે ભળી જઈ વિસ્તૃત લંબગોળ, કથ્થાઈ રંગના ઉપસી આવેલ ટપકાં બનાવે છે. આ ટપકાંની આજુબાજુની છાલ ઉખડી જાય છે. પાછળથી આ જગ્યા કાળી પડી જાય છે અને થડ પર વધારે ટપકાં પડવાથી થડ નમી જાય છે. રોગિષ્ટ ભાગો દૂરથી લાલાશ પડતા કથ્થાઈ રંગથી સ્પષ્ટ ઓળખાઈ આવે છે.
* નિયંત્રણ :
રોગ પ્રતિકારક જાતો જેવી કેલ જી ડબલ્યુ ર૭૩, જી ડબલ્યુ ૩રર, અને જી ડબલ્યુ ૩૬૬, લોક-૧, જી ડબલ્યુ ૪૫૧ (સમયસરના વાવેતર માટે), જી ડબલ્યુ ૪૯૬, જી ડબલ્યુ ૧૭૩ (મોડા વાવેતર માટે ) નો ઉપયોગ કરવો. બન્ને પ્રકારના ગેરૂ મોડા વાવેતરમાં વધારે આવતા હોવાથી મોડુ વાવેતર ન કરવું. સમયસરના વાવેતર (૧પ નવેમ્બર) માં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે તથા દરેક પ્રકારના રોગ ઓછા આવે છે તેથી સમયસરના વાવેતરનો જ આગ્રહ રાખવો. રોગ ખેતરમાં દેખાય કે તરત જ ઝાયનેબ અથવા મેન્કોઝેબ ૭પ% વે.પા. (ર૬ ગ્રામ / ૧૦ લિટર પાણીમાં) અથવા પ્રોપીકોનેઝોલ (૧૦ મિ.લિ. /૧૦ લિટર પાણીમાં) ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. જરૂર જણાય તો વધારાના બે છંટકાવ ૧પ દિવસના અંતરે કરવા. છેલ્લું પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતુ ભરાવા ન દેવું.
* સુકારો (ચણા, તુવેર)
* રોગના લક્ષણો :
આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. ચણા પાકમાં શરૂઆતની અવસ્થામાં એટલે કે વાવણી બાદ ત્રણ અઠવાડિએ છોડ અચાનક પીળો પડી ઢળી પડે છે અને સૂકાઈ જાય છે. જયારે તુવેર પાકમાં ફૂલ અને શીંગ અવસ્થાએ અને પાછલી અવસ્થામાં પણ જોવા મળે છે. શરૂમાં જમીનમાં ભેજ હોવા છતાં છોડ પાણીની ખેંચ અનુભવતો હોય તેમ ચીમળાયેલો દેખાય છે. છોડના પાન પીળા પડી જાય છે. ધીમે ધીમે અથવા અચાનક છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડના થડને ઉભુ ચીરીને જોતા મધ્યમાં રહેલ જલવાહિની કાળા અને ભૂખરા રંગની પટૃ જાવા મળે છે.
* નિયંત્રણ :
ભલામણ કરેલ સુધારેલી જાતો વાવેતર માટે પસંદ કરવી. રોગના નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડાઝી ર ગ્રામ અને થાયરમ ૪ ગ્રામ એક કિલો બીજ પ્રમાણે માવજત આપીને વાવેતર કરવું. પાકની ફેરબદલી કરવી.
• જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્માં નામની ફૂગ વાવણી સમયે ચાસમાં પુરતો ભેજ હોય ત્યારે ર થી ર.પ કિ./હે. ૩૦૦ કિલો સેન્દ્રીય ખાતર કે દિવેલીના ખોળમાં મિશ્ર કરી આપવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
* નિંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી:
• નિંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેના વપરાશમાં લેતા પહેલા દવાના પેકેટ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈ પૂર્વક ખાતરી કરી લેવી. અવધી (એક્સપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહિ.
• ભલામણ કરેલ નિંદણનાશક દવાનો જ જેતે પાકમાં ઉપયોગ કરવો.
• ભલામણ કરેલ સમયે જ નિંદણનાશક દવા છાંટવી.
• ઉભા પાકમાં પાકની વૃદ્ધિની જે અવસ્થાએ નિંદણનાશક દવા છાંટવાની ભલામણ કરેલ હોય તે જ અવસ્થાએ છંટકાવ કરવો.
• પોસ્ટ-ઈમરજન્સ પદ્ધતિમાં નિંદણના છોડ ઉપર વધુ પ્રમાણમાં નિંદણનાશક દવા પડે તે રીતે છંટકાવ કરવો.
• એક સરખા છંટકાવ માટે ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો.
• નિંદણનાશક દવાના પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો.
• ભલામણ કરેલ હોય તો જ બે નિંદણનાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો.
• નિંદણનાશક દવાને નિંદણનાશક દવા સાથે મિશ્ર કરીને કયારેય છંટકાવ કરવો નહી.
• વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહિ.
• સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે છંટકાવ કરવો.
• ચાલુ વરસાદે નિંદણનાશક દવાનો છંટકાવ કરવો નહિ.
• પ્રિ-ઈમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પુરતો ભેજ હોવો જાઈએ.
• એક સરખા છંટકાવ માટે ફ્લેટફેન નોઝલનો ઉપયોગ કરવો.
• નિંદણનાશક દવા છાંટવા માટેની નોઝલનો ઉપયોગ સાફ કરી કરવો.
• પાછા પગે ચાલીને જ નિંદણનાશક દવાનો છંટકાવ કરવો એટલે કે છાંટેલા ભાગ પર ચાલવું નહિ. ઈજા થયેલ હોય તેવી વ્યકિતએ દવાનો છંટકાવ કરવો નહી.
* વામન છોડ વિષાણું (ચણા)
* રોગના લક્ષણો:
આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં આવી જાય તો છોડ કદમાં નાનો રહી જાય છે. બે ગાંઠ વચ્ચેનુ અંતર ઘટી જાય છે. પાછલી અવસ્થામાં રોગ લાગે તો પાન પીળા અથવા ભૂખરા, તામ્ર રંગના થઈ જાય છે. પાન અને થડ બરડ અને જાડા થઈ જાય છે. મુળ કાળા થઈ જાય છે.
*નિયંત્રણ
• રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
• રોગિષ્ટ છોડ ખેતરમાં દેખાય કે તૂરત જ ઉપાડી નાશ કરવો.
• આ રોગ મોલોમશી, સફેદમાખી જેવી રસ ચૂસતી જીવાતો મારફતે ફેલાતા હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.
* ડુંગળીનું ધરૂ ઉછેર:
• એક હેક્ટર માટે ૪ થી ૫ ગુઠામાં ધરૂનું વાવેતર કરવું. જમીનનું સોલેરાઈઝેશન કરવું.
• ધરૂવાડીયામાં બે ટન છાણીયુ ખાતર તેમજ ૫ થી ૬ કિલોગ્રામ યુરીયા અને ૪ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ જમીનમાં ભેળવવું.
• ગાદી કયારા ૪ થી ૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઉચાઈના બનાવવા. જેથી કયારામાં પાણી ભરાઈ ન રહે અને ધરૂના કહોવારાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
• એક હેક્ટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિલોગ્રામ બીજની જરૂર પડે છે.
• બીજને વાવતા પહેલા થાયરમ ૩ ગ્રામ દવાનો એક કિલો બીજ દીઠ પટ આપવો.
• ત્યાર બાદ ૩ ઈંચના અંતરે લાકડાની પંજેઠીથી ચાસ ખોલવા / પાડવા અને તેમાં બીજ હરોળમાં આવવા.
• આ બીજ વાવેલા ચાસને હળવી લીલી શેડોનેટ ઢાંકી દેવી. ત્યાર બાદ સવાર – સાંજ ઝારાથી પાણી આપવું.
• દસ દિવસ પછી ઉપરની શેડોનેટ કાઢી નાખવી અને ધરૂમાં કહોવારો આવ્યો હોય અથવા ન આવે તે માટે રીડોમીલ ૨ થી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં લઈ ઝારાથી ૧ ચોરસ મીટર વિસ્તારમાં ૩ લિટર પ્રમાણે આપવું.
• ધરૂવાડીયામાં સમયસર પિયત, પાક સંરક્ષણ તેમજ નિંદામણ કરતા રહેવું.