ઈડીએ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને સમન્સ મોકલ્યું છે. તેમને આ સમન્સ પોર્નોગ્રાફી અને એડલ્ટ ફિલ્મોના કથિત વિતરણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ મામલે મોકલવામાં આવ્યું છે. કુન્દ્રાને આ અઠવાડિયે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ઈડ્ઢ દ્વારા ૪૯ વર્ષીય કુન્દ્રા અને કેટલાક અન્ય વ્યક્તિઓના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં લગભગ ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા બાદ આ સમન્સ મોકલવામાં આવ્યું છે.ઈડીએ આ કેસ સાથે જાડાયેલા અન્ય લોકોને પણ સમન્સ મોકલીને પૂછપરછ માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે. રાજ કુન્દ્રાને સોમવારે (૨જી ડિસેમ્બર) સવારે ૧૧ વાગ્યે ઈડી ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યું છે.
રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારા અસીલે કોઈ ગુનો કર્યો નથી. મેં હજુ સુધી મારા ક્લાયન્ટ સાથે વાત કરી નથી, પરંતુ હું તમને કહી શકું છું કે તે નિર્દોષ છે. મુંબઈ પોલીસની ચાર્જશીટ જાઈએ તો રાજ કુન્દ્રાના વ્યવહારો કાયદેસર છે. તેણે ટેક્સ ભર્યો છે. હું તમને ખાતરી આપી શકું છું કે રાજ કુન્દ્રાએ મની લોન્ડરિંગ જેવો કોઈ ગુનો કર્યો નથી.’
નોંધનીય છે કે, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. ઈડીએ શનિવારે (૩૦ નવેમ્બર) રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકોના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા પોર્નોગ્રાફીના કેસમાં મામલે પાડવામાં આવ્યા હતા. દરોડાના કલાકો પછી રાજ કુન્દ્રાએ એક નિવેદન પણ જાહેર કર્યું હતું.
રાજ કુન્દ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે, ‘આ દરેક માટે ચિંતાનો વિષય છે, જ્યારે મીડિયા પાસે ડ્રામા બનાવવાનું કૌશલ્ય છે, ચાલો સત્ય સ્પષ્ટ કરીએ. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી તપાસનું હું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. જ્યાં સુધી ‘સહયોગ’, ‘અશ્લીલ’ અને ‘મની લોન્ડરિંગ’ના દાવાઓનો સંબંધ છે, અમારે એટલું જ કહેવું છે કે સનસનાટીભર્યા વાતો સત્યને ઢાંકી દેશે નહીં, અંતે ન્યાયનો વિજય થશે!’ રાજે અંતમાં લખ્યું- મારી પત્નીનું નામ વારંવાર ખેંચવાની જરૂર નથી. મહેરબાની કરીને સીમાઓનું સન્માન કરો…’