ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ની ધમાકેદાર શરૂઆત કરી અને પર્થમાં રમાયેલી પ્રથમ મેચ માત્ર ચાર દિવસમાં ૨૯૫ રનથી જીતી લીધી. હવે બંને ટીમો વચ્ચે ૬ ડિસેમ્બરથી એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાશે. આ મેચ ગુલાબી બોલથી રમાશે જેમાં ફરી એકવાર બધા બોલરોનો દબદબો જાઈ શકશે. ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં મોટાભાગે ફાસ્ટ બોલરો એટલે કે પેસરો વર્ચસ્વ ધરાવતા હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં તમામની નજર આ મેચની પીચ પર ટકેલી છે. એડિલેડ ઓવલના પિચ ક્યુરેટર ડેમિયન હોગના આ અંગેના નિવેદને મેચ શરૂ થતા પહેલા જ બંને ટીમના બેટ્સમેનોને ચોંકાવી દીધા છે.
એડિલેડ ઓવલના પિચ ક્યુરેટર ડેમિયન હોગે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પિંક બોલ ટેસ્ટ મેચની પિચને લઈને પોતાના નિવેદનમાં કહ્યું કે તેમાં ૬ મિમી ઘાસ છોડવામાં આવશે, જે પહેલા બે દિવસમાં ઝડપી બોલરોને ઘણી મદદ કરશે. જેમ જેમ રમત આગળ વધશે તેમ સ્પિનરો પણ સારું પ્રદર્શન કરી શકશે. અહીં રાત્રે બેટિંગ કરવી સરળ નથી, જે આપણે અગાઉની મેચોમાં પણ જાઈ ચૂક્યા છીએ. ઘાસ છોડવા પાછળનું અમારું કારણ પીચમાંથી સારી ગતિ અને બાઉન્સ મેળવવાનું હતું. અમે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ પિચ તૈયાર કરી છે. સ્પિનરો પીચ પર ઘાસની હાજરીથી પણ મદદ લઈ શકશે જેમાં તેમનો બોલ ઝડપથી બહાર આવી શકે છે, જેના કારણે બેટ્સમેનો માટે રમવાનું સરળ રહેશે નહીં. જાકે, જેમ-જેમ બોલ જૂનો થશે, તેમ-તેમ આ પીચ પર બેટિંગ કરવી ચોક્કસપણે થોડી સરળ બની જશે.
૬ ડિસેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી એડિલેડ ટેસ્ટ મેચના પહેલા દિવસે વરસાદની ખલેલ પડી શકે છે, વરસાદની સંભાવના ૮૮ ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હશે કારણ કે જે પણ ટીમ જીતે છે તે પિચ અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત જ્યારે ભારતે એડિલેડના મેદાન પર ગુલાબી બોલની મેચ રમી હતી, તે ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી જેમાં ટીમ ઈન્ડીયાનો બીજા દાવ માત્ર ૩૬ રનમાં સમેટાઈ ગયો હતો.