દેશના તમામ પ્રશ્નો અને સમસ્યાઓ માટે રાજકારણ એક બાબતમાં તો આશ્વાસન છે કે બધું જ એ ક્ષેત્ર અને એના નેતાઓ પર ઢોળી શકાય છે. આ હૈયાધારણા નાનીસૂની નથી, કારણ કે એને કારણે સમાજ પોતે પોતાની ભૂલભરેલી પ્રણાલિકાઓ, અપરાધી
મનોવૃત્તિઓ અને ગેરસમજો તથા સાવ ખોટ્ટી માન્યતાઓને છુપાવી રાખે છે જયારે કે વાંક સમાજકારણ અને રાજકારણનો સમાન ભાગનો હોય છે. જે બેરોજગારોને નોકરી અપાવવાની વાતો ચોરતરફ ગુંજે છે તેમાં એ યુવક અને યુવતીઓની ક્ષમતાઓ વિશે ભાગ્યે જ વાત થાય છે. સારું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયા અંતર્ગતની પરીક્ષાઓ આ બેરોજગારોને સમયાંતરે એ અહેસાસ કરાવતી રહે છે કે તેઓએ તેમના અભ્યાસકાળમાં અને પછી કેટલો વ્યર્થ રઝળપાટ કર્યો છે ! એટલે કે જલસા જ કર્યા છે. એમાં કોરોના નામક જે વેકેશન બહુ લાંબુ ચાલ્યું એમાં તો હીરા ને પથરા બેય પર ધૂળ ચડી ગઈ છે. બહારથી દેખાતા રોલમોડેલ ઉપરાંતના પણ કેટલાક રોલમોડેલ હવે દેખાવા લાગ્યા છે, આ એક નવી હવા છે, જેમાં સરકારી પરીક્ષાઓમાં સફળ નીવડતા ઉમેદવારો છે. કલાસ – વન કે કલાસ – ટુની વાત તો ઠીક છે, સરકારી કર્મચારીઓમાં તલાટી પણ હવે રોલ મોડેલ તરીકે દેખાય છે કારણ કે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું કામ ધૂમ કલ્ચરમાં બાઇક ચલાવનારાઓનું તો નથી જ. અત્યારે રાજકારણીઓને ઠપકો આપવાના બહાને આ બેરોજગારોને પંપાળીને જે રીતે ભારતીય સમાજ ઉછેરે છે તે ખરેખર તો નવી પેઢીનું અહિત જ કરે છે. આજના યુવા વર્ગને ઘઉંની સિઝનમાં એ પણ ખબર હોય છે કે તેમના પરિવારને વાર્ષિક ખરેખર કેટલા ઘઉંની જરૂર હોય છે ? ચોખા ભરવાની સિઝન અને મસાલા તૈયાર કરવાની સિઝન વચ્ચે કોઇ અંતર ખરું કે સાથે જ આવે ? અરે તેમને શાક માર્કેટમાં મોકલીને કહો કે ચાર મહેમાન આવવાના છે એટલે વધારાના શાકભાજી લઇ આવો, તો પણ તેઓ જે થેલી લાવે તેમાંથી ગુણવત્તા અને સપ્રમાણતાને બદલે છબરડાઓ વધુ ઊંચકીને લેતા આવશે. ઘરમાં બેટા… બેટા…. કહીને માત્ર ઉછેરીને મોટા કરી આપેલા આ સંતાનો તેમની પોતાની જ જિંદગીમાં અધિક વાત્સલ્યના ગેરલાભ જાણે એ પહેલા એને વ્યવહાર જ્ઞાન આપવાની જરૂર છે. જે ગુજરાતી સમાજ એક જમાનામાં પોતાની રળતર આવડતની કુશળતા પર મુસ્તાક હતો એ જ ગુજરાતી સમાજ આજે ટચૂકડી જાહેરખબરોમાં પોતાના સંતાનોનું ભવિષ્ય શોધતો થઇ ગયો હોય તો એના કારણો બહુ નિરાંતે, બહુ ઊંડાણથી અને કોઇનાય ઉપર આક્ષેપ કર્યા વિના શોધવા પડશે. આપણી નવી પેઢીમાં ક્ષમતાઓ છે તે આમ તો તેને વ્યર્થ પ્રશંસાઓથી બુઠ્ઠી કરી નાંખ્યા વિના દિશા આપવા માટેની છે. પરંતુ સંખ્યાબંધ પરિવારો એવા પણ જોવા મળે છે કે જેમણે સંતાનોને પડતા મૂકી દીધા છે. એટલે કે વિવાદ કે ચર્ચા ટાળવા માટે વડીલો, આ સંતાનોને સાંભળીને તુરત સંમત થઇ જાય છે. આને કારણે નવી પેઢીને એક જ મુદ્દામાં અનેક ડાયમેન્શનથી વિચારશીલતા અને તાર્કિકતા કેળવવાનો જે લાભ મળવો જોઇએ તે બાકી રહી જાય છે. ટેકનોલોજીનો વિકાસ
સર્વસ્વીકૃત છે. એ રૈનાવિકસી ગયેલી ટેકનોલોજીને આ નવી પેઢી જે અકારણ મનોરંજનસરનો સમય આપે છે તે અસ્વીકૃત છે. આ મતભેદનો વિસ્તાર છે. તેઓ કહે છે કે આ મોબાઇલ ફોન જ અમારુંં કાર્યાલય, બ્રિફકેસ, મિત્રમંડળ જે કહો તે છે. વડીલો હજુ તેમની સાથે સંમત નથી, કારણ કે તેઓ જુએ છે કે પીરસાયેલી ગરમાગરમી ગુજરાતી માધુર્યથી મહેંકતી અને માતૃહસ્તેન ભોજનમ્ પ્રમાણે તૈયાર થયેલી સોનેરી ટુકડા કે દાઉદખાની ઘઉંની રોટલી સાવ ઠરીને ઠીકરું ન થઇ જાય ત્યાં સુધી સંતાનો થાળી પર બેસતા નથી. તેમના હાથમાં જ એક એવું ચુંબક છે જેની સાથે મોબાઇલ ફોન હવે સર્વકાળે એટેચ છે. આ એટેચમેન્ટને કારણે પરિવારના કુદરતદત્ત અનેક સુખ ડિટેચ ને ક્રોસ થઇ રહ્યા છે. મિસ્ટર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની નવી પરિભાષા તરતી મૂકી એને કારણે કેટલાક સંતાનો તેમના વાલીઓને કહી રહ્યા છે કે આપણી પાસે મૂળભૂત કેપિટલ જ નથી તો હું આંતરપ્રિનિયોર શી રીતે બનું? વાલીઓની કેપિટલ જ આ સંતાનો છે. તેમણે સંતાનો માટે બધું જ સમર્પિત કરેલું હોય છે. ઘણા ગુજરાતી સંતાનો ઈચ્છે છે કે તેમના માતા-પિતા તેમના બિઝનેસને સેટ કરી આપે. ખરેખર આ અપેક્ષા બહુ વધારે પડતી છે અને વળી આવી અપેક્ષા એ લોકો રાખે છે જેઓ ભણવામાં તો ઢગલાના ઢ હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની મહેનત તેમને કરવી હોતી નથી. એટલે માતા પિતા જ્યારે ઢળતી સંધ્યાએ પહોંચ્યા હોય અને સરકારી કર્મચારી હોય ત્યારે જુવાન છોકરાઓની નજર પછી વડીલોના પેન્શન પર હોય. આજે ગુજરાતમાં માત્ર વડીલોના પેન્શન પર નભતા યુવાનોની સંખ્યા કંઈ ઓછી નથી અને એ ગુજરાતી સમાજનું સૌથી મોટું લાંછન છે. પિતાનો રૂપિયો વાપરવો એ ખોટું નથી, પરંતુ બેઠા-બેઠા પિતાનો રૂપિયો ખાવો એ ખોટું છે. પિતા પાસે ગમે તેટલી સંપત્તિ હોય કે પેન્શન અથવા વ્યાજની આવક હોય તો એ કઈ પિતા સ્વર્ગમાં સાથે લઈ જવાના નથી. એ સંતાનોના કલ્યાણ માટે હોય છે, લાભ માટે નહિ. લાભ અને કલ્યાણ વચ્ચેનો ભેદ સમજી લેવો જોઈએ. આદર્શ સ્થિતિ એ છે કે પિતાનો ખાલી ટેકો લેવાનો હોય અને એ ટેકો પણ સંકટ સમયમાં લેવાનો હોય. બાકી તો આપ કમાણીથી મળતા મીઠું-રોટલો ખાવાના હોય. જે યુવાનોએ લગ્ન કરી લીધા છે, પરંતુ પોતાના કુટુંબને કરકસરમાં મીઠું ને રોટલો ખાઈને દિવસો પસાર કરતા શીખવાડ્યું નથી અને મોજમજા જ કર્યે રાખી છે એમને માટે હવેનો સમય સારો નથી. કારણ કે દેશમાં ચાલુ થયેલા મંદીના પ્રવાહો હવે ત્રીજા વર્ષમાં પ્રવેશવા આવ્યા છે. હવે મંદીનો ઘેરાવો વધવાનો છે. જિંદગીનો અર્થ એ છે કે જેમાં ચમત્કારની કોઈ સંભાવના નથી. તમે ગઈકાલે કરેલી મહેનતનો રોટલો આજે આરોગી રહ્યા છો અને આજે જે મહેનત કરશો એનું ફળ તમને આવતીકાલે એટલે કે ભવિષ્યમાં મળવાનું છે. આ સિવાયનું આવક માટેનું બીજું કોઈ ગણિત નથી. દેશમાં દસ ટકા પરિવારો એવા છે કે જેમાં પુત્ર કે પુત્રી નોકરીએ લાગ્યા નથી અને પિતા નિવૃત્ત થઇને ઘરે આવી ગયા છે. અનેક પરિવારોમાં ઘરના મોભીની
નિવૃત્તિ એક આઘાત બની ગઇ છે. જેમણે આખી જિંદગી તડકો વેઠીને સર્વ અંગત સુખનો ત્યાગ કરી પરિવારનું પાલનપોષણ કરી સુખ આપ્યું તેને
નિવૃત્તિ વેળાએ પણ ઘરમાંથી હાંકી કાઢીને ફરી કામે જોતરવા માટેની ઝુંબેશ જોવા મળે છે. કોઇના વાંકની વાત નથી, સંયોગ જ એવા છે. સંતાનો યુવાન થઇને માથે પડે એ પહેલા એને ચાબુક જેવી માર્ગદર્શક કમાલ બતાવીને હૂંફ – હિંમત આપી કામે ચડાવવાની જરૂર છે. કંઇ જ કામ કરવું નથી અને જલસા કરવા છે – આવી રોગગ્રસ્ત
મનોવૃત્તિને કારણે સંખ્યાબંધ પરિવારો શહેરમાં હતા તે ગામડે અને ગામડે હતા તે હવે ખેતર કે વગડામાં રહેવા જતા રહ્યા છે. સમસ્યા એટલી ગંભીર છે પરંતુ મોજમજાની મહેફિલોમાંથી મુકત થઇ એના પર વિચારવાનો જાણે કે પ્રજા પાસે સમય જ નથી. જે મનુષ્યના હાથ કામગરા નથી તેને માટે આ બ્રહ્માંડમાં ક્યાંય જગ્યા નથી. કામ કરો, પારિશ્રમિક મેળવો અને જીવન નિભાવો આ સિવાયની બધી વાતો માત્ર તરંગી પરીકથાઓ છે અને આવી કથાઓના વકતાઓનો આપણા દેશમાં પ્રલય થયેલો છે.