રાજ્યમાં ચોરી અને લૂંટના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના હીરાવાડી રોડ પરથી બુકાનીધારી બે લોકોએ લૂંટ ચલાવીને લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ગઠિયા બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. હીરાવાડી રોડ પર બુકાનીધારી બે લોકોએ અકસ્માતના બહાને કાર ચાલકને રોકી લૂંટ કરી હતી. જેમાં, આરોપીઓ ૪૦ લાખ રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. જણાવી દઈએ કે, નસીત ઇન્ફ્રા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલ હરી રંગોળીયા બાપુનગર જયંતિ સોમાં આંગડિયા પેઢીમાંથી ૪૦ લાખ રોકડ રૂપિયા લઈને નીકળ્યો હતો. ત્યારે અકસ્માતના બહાને કારનો કાચ ખોલાવીને ૪૦ લાખ ભરેલ બેગ લઈ બાઇક સવાર શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બનતા જ ફરિયાદી દ્વારા કૃષ્ણનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયત્નો હાથ ધરી છે. જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસ દ્વારા એક માહિતી પણ જાહેર કરવામાં આવી હતી કે, અમુક અસામાજીક તત્વો રિક્ષા ચાલક બનીને પેસેન્જરને બેસાડે છે અને સમય આવતા જ પેસેન્જર પાસેથી પૈસા, મોબાઈલ સહિતની વસ્તુની લૂંટ ચલાવે છે. જેને લઈને પોલીસે નગરજનોને ખાસ ધ્યાન રાખવા વિનંતી પણ કરી છે. આવી કોઈ ઘટના બનતા પહેલા તમે સુરક્ષિત અને સતર્ક રહો તેવી પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે. જા આવી ઘટનાની જાણ થાય તો તાત્કાલિક તમારે નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવી જાઈએ.