જીવનમાં સુખી હોવું એટલે ખુશ રહેવું. અને ખુશ રહેવા માટે માત્ર ભૌતિક સંપત્તિ જ જરૂરી નથી. માણસના જીવનની પાયાની જરૂરિયાત તો માત્ર ત્રણ જ વસ્તુ છે. રોટી, કપડાં અને મકાન. અને આ ત્રણ વસ્તુ જેને મળી હોય એ લોકો ખરેખર સુખી હોવા જોઈએ. પણ હકીકત કૈંક જુદી જ જોવા મળે છે. આ ત્રણ વસ્તુને વધુ વૈભવી બનાવવા માટે અથવા તો એમાં એકબીજાની સરખામણી કરવાથી દરેક માણસ હમેશા પોતાનાથી વધુ સગવડ ધરાવતા લોકોની સ્થિતિ સુધી પહોંચવા માટે સતત વલખાં મારે છે અને આ સરખામણીનો અંત ક્યારેય આવતો જ નથી. કેમકે દુનિયામાં ગરીબથી માંડીને અમીર સુધીની કેટેગરીના માપદંડ જુદા જુદા છે. દરેક વર્ગમાં વળી પાછા ત્રણ પ્રકાર પડે છે. એટલે માણસ પહેલી સરખામણી પોતાના ભાઈઓ સાથે કરે છે. ત્યારબાદ પાડોશી અને પછી સગા સંબંધી અને મિત્રોના સ્ટેટસ સાથે મનોમન સરખામણી કરતા હોય છે. આપણી પાસે કેટલું છે એના કરતાં બીજા કરતા કેટલું ઓછું છે એ વધુ ખટકે છે એટલે ગમે એટલું હોવા છતાં સતત કૈક ખૂટે છે એવો વસવસો આ સરખામણી અને હરીફાઈના કારણે દરેકના મનમાં રહ્યા કરે છે. પરિણામે દોડાદોડીમાં જે મળ્યું છે એ ભરપૂર માણી શકતા નથી અને જે બીજાનું દેખાય છે એ મેળવવા મથામણ કરતા હોય છે. આ માનવ સ્વભાવની એક સહજ લાલચ છે. એમાં કોઈ બાકાત રહી શકતું નથી. હા અમુક સંતોષી જીવડાં હોય છે જે દુનિયાની પરવા કર્યા વિના પોતાને જે મળ્યું હોય તે ભરપૂર માણીને મોજ કરતા હોય છે. પણ જગત એને ધૂની કે ગાંડા ગણતા હોય છે. હકી કતમાં એજ મનથી સુખી અને મોજી હોય છે. ”પહેલું સુખ તે જાતે નર્યા” એ વાત સામાન્ય રીતે સુખ માટે સર્વસામાન્ય માન્યતા છે. પણ નિરોગી હોય એને રોગના દર્દનો અહેસાસ ના હોય એટલે એને પોતાના નીરોગીપણાનું મહત્વ સમજાતું નથી. રોગ થાય પછી એમ થાય કે બીજું કઈ પાસે ના હોય તો ચાલે પણ તંદુરસ્તી હોય તો સુખેથી રહી શકીએ. એવી જ રીતે પારિવારિક સુખ પણ ખૂબ મહત્વનું છે. પરિવારના બધા સભ્યો એકબીજાને સમજી શકે એવા હોય તો ભૌતિક પરિસ્થિતિ ગમે તેવી હોય બધા આનંદ કિલ્લોલથી જ રહેતા હોય છે. માણસ સમાજમાં સારો દેખાવ કરવા ઘણી બધી અંગત ખુશીઓના ભોગે ક્યાંક ને ક્યાંક ધસડાતો હોય છે. મોટા સુખની મહેચ્છામાં કેટલીક નાની નાની અમૂલ્ય ખુશીઓ ગુમાવવી પડતી હોય છે. આ બધા સમીકરણો વચ્ચે પણ એક મહત્વની અને મસ્ત મજાની વાત એ છે કે ખુશ થવા માટે કે ખુશ રહેવા માટે માત્ર સાધન સંપત્તિ જરૂરી નથી પણ કેટલાક સારા શબ્દો કે વાક્યો વાંચવાથી કે સાંભળવાથી આપણે ખુશ થઈ શકીએ છીએ. એટલે જ લોકો પોતાના વાહનમાં, ઘરમાં કે ઓફિસમાં સુવિચારો લખાવતા હોય છે. આવા રત્ન કણિકા જેવા શબ્દોનો સમૂહ આપણને કોઈ જાતના ખર્ચ વિના, જોખમ વિના, જવાબદારી વિના ખૂબ ખુશી, આનંદ અને મોજ આપતા હોય છે. એમાંય જ્યારે ધંધાને અનુરૂપ પ્રાસ મળતા અને સારો બોધ આપતાં આવા સુવાક્યો વાચવા મળે ત્યારે ખરેખર મોજના તોરા છૂટતા હોય છે. તો ચાલો આવા કેટલાક ચુનંદા શબ્દોની મજા માણીએ.

• વાળ કાપવાની દુકાન માં વાંચ્યું, ‘‘અમે તમારા દિલનો નહી, પણ માથાનો બોજો જરુર હલકો કરીશું’’
• લાઇટની દુકાનમાં લખ્યું હતું,‘‘તમારા દિમાગની બત્તી ભલે ન થાય પણ અમારો બલ્બ જરુર સળગશે’’
• ચા વાળાએ પાટીયું મુક્યું હતું,‘‘હું ભલે સાધારણ છું પણ ચા સ્પેશિયલ બનાવું છું’’
• એક હોટલમાં લખ્યું હતું, ‘‘અહીં ઘર જેવું ખાવાનું નથી મળતું ખચકાટ વગર પધારો’’
• એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લખ્યું હતું, ‘‘ તમારો કોઇ ફેન નથી ? વાંધો નહીં અહીંથી એક લઇ જાવ’’
• પાણી પુરી વાળાએ પાટીયું મુક્યું હતું,‘‘ દિલ મોટું નહી હોય તો ચાલશે, મોઢું મોટું રાખો અને આખું ખોલો’’
• એક ફળ વાળાએ તો હદ કરી,‘‘તમે ફક્ત કર્મ કરો ફળ અમે આપીશું’’
• ઘડિયાળ વાળાએ તો ગજબ કરી, ‘‘ભાગતા સમયને કાંડે બાંધો અથવા દિવાલ પર લટકાવો’’
• જ્યોતિષી તો એકતા કપૂરનો ચાહક નીકળ્યો, ‘‘ફક્ત ૧૦૦ રૂ. માં તમારી જીંદગીના આવનાર એપિસોડ જાણો’’
• વાળના તેલની કંપનીએ એની બોટલ પર લખાવ્યું, ‘‘ભગવાન જ નહીં અમે પણ તમારો વાળ પણ વાંકો નહીં થવા દઇએ’’
જેની પાસે શબ્દોની જાગીર છે એને બીજી જગીરની માત્રાનો બહુ ફરક પડતો નથી. હોય તો ભી ખુશ, ઘટે તો ભી ખુશ, વધે તો ભી ખુશ. હર હાલમાં ખુશ રહો.
સ્વસ્થ રહો, મસ્ત રહો!