લાઠીના કાચરડી ગામે રહેતી એક પરિણીતાને તેના પતિએ ફોનમાં મારી સાથે રહેવું હશે તો સાંભળવું પડશે તેમ કહેતા લાગી આવતાં ઝેરી પાવડર પી લીધો હતો. મૂળ મહુવાના મોદા ગામે રહેતા અને હાલ કાચરડી ગામે પિયરમાં રહેતા હેતલબેન મિલનભાઈ સોરઠીયા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, તેઓ દોઢ મહિનાથી પિયરમાં રિસામણે હતા. પતિ મિલનભાઈ સાથે અઠવાડિયા પહેલા ફોનમાં વાત થઈ હતી. તેમણે પતિને શાંતિથી રહેવાનું અને મને ખોટી રીતે કંઇ કહેવાનું નહીં તેમ કહેતા પતિએ ‘મારી સાથે રહેવું હોય તો સાંભળવુ પડે, તારે આવવું હોય તો આવ’ તેમ કહ્યું હતું. જેથી તેમણે ‘મારે આવવું નથી અને તમે છેલ્લા દોઢેક મહિનાથી કેમ મને ફોન નથી કરતા’ તેમ કહેતા પતિએ ફોન મૂકી દીધો હતો. જેથી મનમાં લાગી આવતા પોતે-પોતાની મેળે આવેશમાં આવી જઇ રૂમમાં ઝેરી દવાનો પાવડર પી લીધો હતો. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ડી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.