નવા વર્ષ પર સરહદ પારથી મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ આ અંગે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. બીએસએફ અને સેનાને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે પોલીસ સહિત અન્ય અર્ધલશ્કરી દળોને આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સાંબા, કઠુઆ અને જમ્મુની સરહદ અને એલઓસી પરથી ઘૂસણખોરી કરીને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી શકે છે, જેથી નવા વર્ષ પર અશાંતિ સર્જાય.
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ આતંકવાદી કૃત્ય કરવાની યોજના બનાવી રહ્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થાએ આતંકવાદી સંગઠન પર કોઈ પણ સંજાગોમાં સરહદ પાર કરીને મોટો હુમલો કરવા માટે દબાણ કર્યું છે. થોડા મહિના પહેલા જ અખનૂર એલઓસી પર જૈશના ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓને મોટો હુમલો કરવાના ઈરાદાથી પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા. સૂત્રોનું એમ પણ કહેવું છે કે આતંકવાદીઓ લાંબા સમયથી જમ્મુ અને સાંબા જિલ્લામાં કોઈ ગુનો કરી શક્યા નથી, તેથી બંને જિલ્લામાં હુમલા કરવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયે સરહદ પર પાક ન હોવાથી આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરી શકે છે. ઘણી જગ્યાએ ગીચ ઝાડીઓ છે. ભૂતકાળમાં પણ આતંકવાદીઓએ ઘૂસણખોરી માટે ઘણી વખત સુરંગ ખોદવાનો પ્રયાસ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર શાખાએ આતંકવાદ સંબંધિત કેસમાં અનંતનાગ જિલ્લા જેલ સહિત રાજ્યમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે સીઆઈકેની ટીમો શનિવારે સવારે અનંતનાગના મટ્ટનમાં જિલ્લા જેલમાં પહોંચી હતી. જેલની અંદરના બ્લોક અને બેરેકની તલાશી લેવામાં આવી હતી.
કુલગામ જિલ્લાના સોનીગામ અને ચાવલગામમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસના ભાગરૂપે ઉધમપુર અને જમ્મુ જિલ્લામાં પણ બે સ્થળોની શોધખોળ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મોબાઈલ ફોન અને ટેબલેટ સહિત છથી આઠ ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે આ કાર્યવાહી જેલ પરિસરની અંદર ટેકનીકલ સાધનો શોધવા અને આતંકવાદ કેસની તપાસમાં આતંકવાદીઓના સુત્રધારોની ઓળખ કરવા માટે કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં જમ્મુ, સાંબા અને કઠુઆના મેદાની વિસ્તારોમાં સરહદ પર ગાઢ ધુમ્મસ છે. જેના કારણે દિવસભર વાતાવરણ ખરાબ રહે છે. આતંકવાદીઓ આનો ફાયદો ઉઠાવીને ઘૂસણખોરી કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી ૧૫ દિવસ આકરા પડકારના રહેશે. જા કે બીએસએફના આઈજી ડીકે બુરાનું કહેવું છે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને રોકવામાં સક્ષમ છે.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની શંકાના આધારે બંગાળના હુગલી જિલ્લાના અરામબાગના રહેવાસી એક શંકાસ્પદ યુવકની કોલકાતા સ્થિત ઓફિસમાં મેરેથોન પૂછપરછ હાથ ધરી છે. યુવકની ઓળખ સબીરુદ્દીન અલી તરીકે થઈ છે.એનઆઇએએ ગુરુવારે સાનપાડા વિસ્તારમાં તેના ઘરે દરોડા પાડ્યા હતા.
દરોડામાં તેના ઘરેથી રોકડ, લેપટોપ, એક મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને કેટલાક દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા સમયે તે ઘરે ન હતો. અધિકારીઓએ પરિવારના સભ્યોને નોટિસ આપી હતી અને સબીરુદ્દીન અને તેના પિતા શેખ સૈફુદ્દીન અલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સોલ્ટ લેક ઓફિસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઇએને શંકા છે કે સબીરુદ્દીન પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. જાકે, એનઆઇએના અધિકારીઓએ હાલમાં આ અંગે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ, સબીરુદ્દીનના ઘર પર દરોડાથી વિસ્તારના લોકો આશ્ચર્યમાં છે. કેટલાક પડોશીઓ કહે છે કે સબીરુદ્દીન તેજસ્વી યુવાન છે.