અલાહાબાદ હાઈકોર્ટના જજ જસ્ટીસ શેખર કુમાર યાદવ, જેઓ અપ્રિય ભાષણના આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમને સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા આવતા અઠવાડિયે બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. આ બેઠક ૧૭મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમનું નેતૃત્વ ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના કરે છે. હકીકતમાં, ૧૦ ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટે વિશ્વ હિંદુ પરિષદની કાનૂની શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટીસ યાદવ દ્વારા આપેલા ભાષણ પર સંજ્ઞાન લીધું હતું અને હાઇકોર્ટ પાસે તેના વિશે માહિતી માંગી હતી.
બીજી તરફ ૧૩ ડિસેમ્બરે રાજ્યસભામાં વિપક્ષના ૫૫ સાંસદોએ તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. આ હોબાળો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે જસ્ટીસ યાદવે વિહિપના એક કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતાને હિંદુ વિરુદ્ધ મુસ્લીમ મુદ્દો ગણાવ્યો અને કહ્યું કે હિંદુ સમાજે તેની પરંપરાઓની ખામીઓને સુધારી છે, પરંતુ મુસ્લીમ સમાજે આવું કર્યું નથી. તેણે બહુપત્નીત્વ અને પત્નીની સંમતિ વિના બીજા લગ્ન જેવા મુદ્દાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે હિંદુ ધર્મમાં સહિષ્ણુતાના બીજ છે, જે ઈસ્લામમાં નથી. આપણા બાળકોને નાનપણથી જ ભગવાન, વેદ અને અહિંસા શીખવવામાં આવે છે, જ્યારે અન્ય સમુદાયોમાં બાળકોની સામે પ્રાણીઓની કતલ કરવામાં આવે છે.આ પછી જસ્ટીસ યાદવના નિવેદનો પર વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી હતી. સીપીએમના નેતા બ્રિન્દા કરાતે ચીફ જસ્ટીસને પત્ર લખીને કહ્યું છે કે આવા પૂર્વગ્રહથી પીડિત ન્યાયાધીશ પાસેથી કોઈપણ લઘુમતી સમુદાયને ન્યાયી ન્યાયની અપેક્ષા રાખી શકાય નહીં.
આ બધા વચ્ચે, જો ઉપરાષ્ટ્રપતિ વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકારે છે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની ત્રણ સભ્યોની સમિતિ અને કાયદાકીય નિષ્ણાત ફરિયાદની તપાસ કરશે. હવે સવાલ એ છે કે શું જસ્ટીસ શેખર યાદવ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, બંધારણના અનુચ્છેદ ૧૨૪ (૪) મુજબ મહાભિયોગ માટે બંને ગૃહોમાં કુલ સભ્યોની બહુમતી અને હાજર સભ્યોના બે તૃતીયાંશ મતની જરૂર છે. પરંતુ એનડીએની બહુમતીને જાતા સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો મુશ્કેલ છે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ આ મુદ્દે જસ્ટીસ યાદવ સાથે ચર્ચા કરશે. બેઠક બાદ આના પર શું પગલા લેવામાં આવશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. તમને જણાવી દઈએ કે જસ્ટીસ યાદવ એપ્રિલ ૨૦૨૬માં નિવૃત્ત થવા જઈ રહ્યા છે.