જગતના ચોકમાં જ્યારે કોઈ સાચા માણસની સાચી ખોટી ચર્ચા થાય ત્યારે આવી દરેક વ્યક્તિ આગળ યોગ્ય ખુલાસા કરવા શક્ય નથી હોતા. મોઢે સારું સારું બોલનાર વ્યક્તિ પીઠ પાછળ નિંદા અને કૂથલી કરતી જાણવા મળે ત્યારે મનમાં એક જ વાક્યનું સ્મરણ થાય કે ‘બસ ઇત બાત કા સબર હૈ કિ ઉપર વાલે કો સબ કુછ ખબર હૈ.’ ક્યારે અને કોણે કેટલું ખોટું કર્યું છે, કોણે કોણે છેતરપિંડી કરી છે એ જાણવા છતાં નમ્ર, પ્રમાણિક અને જબાનના પાકા ઇન્સાનને બધી રીતે ઘણું સહન કરવું પડતું હોય છે. ખોટા અને ખબરી લોકો કોઈની કસોટીની મઝા લેતા હોય છે, જ્યારે સાચા અને હમદર્દ લોકો મુશ્કેલીમાં મદદ કરતા હોય છે. સંકટ સમયે ધનથી અમીર પણ મનથી ગરીબ લોકો કરતા ધનથી ગરીબ પણ મનથી અમીર લોકો વધુ ઉપયોગી થતાં હોય છે. બન્ને પ્રકારના લોકોમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એક માત્ર જાહેરમાં ખોટી વાતો કરીને તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હોય છે જ્યારે બીજો ખાનગીમાં પીઠ થાબડીને કાનમાં કહી જાય છે કે મુંજાતા નહિ અને અમે બેઠા છીએ. આવા લોકો જ ખરેખર કુદરતના દુત બનીને આવતા હોય છે. મોટેભાગે આપણે એવું સાંભળતા હોઈએ કે જમાનો ખરાબ થઈ ગયો છે. પેલા સારું હતું હવે બધા ખૂબ બદલી ગયા છે. પણ હકીકતમાં જુવો અને ઇતિહાસ તપાસો તો ખ્યાલ આવશે કે દરેક સમયકાળમાં દરેક પ્રકારના લોકો હતા, હજી આજના સમયમાં છે અને આવનારા સમયમાં રહેવાના. માનવ સ્વભાવની મૂળ લાક્ષણિક્તા મનુષ્યના ઉત્પત્તિ કાળથી ચાલી આવી છે. હા સમય સમય પર એના સ્વરૂપ બદલાતા આવ્યા છે. ચાલાક માણસ પોતાની ચાલાકીથી જગત જમાદાર બનીને સાચું ખોટું કરીને પોતાની હકૂમત ચલાવી જાણતા હોય છે. ગમે એટલું કુદરતે આપ્યું હોવા છતાં નાની નાની બાબતોની ખોટી ગણતરી કરીને કોઈની શેહ શરમ કે ઈજ્જતનો દુરૂપયોગ કરતા હોય છે એની સામે સામાન્ય સ્થિતિમાં જીવન ગુજારતા હોય અથવા તો સમયની થપાટમાં સામાન્ય સ્થિતિમાં મુકાઇ ગયેલ હોવા છતાં મનથી ક્યારેય ગરીબ બનતા નથી. માથું ભલે માથે ભટકાતું હોય પણ આવકારો આભ જેવડો હોવો જોઈએ. ગમે એવી પરિસ્થિતિ હોય પણ માણસને માણસ મળવા આવે ત્યારે મોઢામાંથી આવકારો ના નીકળે એવું બને જ નહિ. નમ્રતા અને ખાનદાનીની પણ એક અલગ ઓળખાણ હોય છે. ગમે તે પ્રકારે માત્ર ભેગુ કરવામાં મથતા માયાળુ માનવી અને થોડું હોય તોય કોઈના દુઃખે દુઃખી અને સુખે સુખી લોકો પણ માયાળુ ગણાય છે. શબ્દ એક છે પણ બંનેના અર્થપ્રયોગ જે તે વ્યક્તિના સ્વભાવ અને વર્તનની છાપ છોડી જાય છે. આખરે આપણે સૌ દુનિયાના રંગમંચના પાત્રો છીએ. કોણ કેવો કિરદાર ભજવી જાય છે એના પરથી આપણી છાપ ઊભી થતી હોય છે. કરોડો વર્ષોથી કેટલાય લોકો આ ધરતી પર જન્મ લઈને મૃત્યુ પામ્યા છે. કોઈ ગર્ભશ્રીમંતાઈ સાથે લઈને જન્મે છે એવું કહી શકાય પણ કોઈ સાથે લઈને સ્વર્ગે સિધાવ્યા હોય એવો દાખલો હજી સુધી કોઈએ જોયો નથી. હા સાથે આવે છે માત્ર આપણા કર્મો. સુખ દુઃખ તો તડકી છાંયડી જેવા હોય છે. એમાંથી એકપણ કાયમી નથી. કાયમી હોય છે માત્ર સનાતન સત્ય. બાકી બધું મિથ્યા છે. ગમે એટલા શક્તિશાળી હોય તો પણ ક્યારેય કોઈના આંસુ લૂછી શકો તો તમારી સાર્થકતા ગણાય પણ કોઈની આંખોના આંસુના નિમિત્ત બન્યા તો જગત ભલે ના જાણે પણ ઉપરવાળો બધું જાણતો હોય છે. બાકી તો ગમે તેવી હસ્તી કેમ ના હોય કસ્તી ડૂબતા વાર નથી લાગતી. માટે જ સંતો કહી ગયા છે કે હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જી! એક વાત કાયમ યાદ રાખવા જેવી છે કે ખુદ દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જતા કદાચ સુખી થઈ શકે છે પણ બીજાને યેનકેન પ્રકારે ખોટી રીતે દુઃખ આપનાર આગળ ઉપર ક્યારેય સુખી થઈ શકતો નથી. માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહિ. ઉપરવાળો માત્ર કર્મ જ જુવે છે, વસિયત નહિ! તમે ગમે એટલા મોટા શતરંજના ખેલાડી હોય, પણ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ આખરે તમારો અંત બગાડે જ એમાં કોઈ મીનમેખ નથી. ખુદા કે ઘર દેર હૈ, અંધેર નહિ. જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી પ્રાણ ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી.ઈશ્વર આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ રાહ જોવડાવે છે ત્યારે સૌથી ઉત્તમ ફળ જ આપે છે. આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે પણ આચરણ તો પરમાત્માના ચરણ સુધી લઈ જાય છે. અને મનુષ્ય જીવનનું અંતિમ સત્ય પણ જીવનું શિવમાં મિલન છે.