પોરબંદર શહેરના નરસંગ ટેકરીથી ઇન્દ્રેશ્વર મહાદેવના સ્મશાન સુધી નીકળેલી આ રેલીમાં હજારો લોકોએ કાળા કપડાં પહેરીને દૂષિત પાણીને અગ્નિદાહ આપ્યો હતો. રેલીમાં હજારો લોકોએ કાળા કપડાં પહેરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી. માછીમારો સહિતના સ્થાનિકોનું માનવું છે કે આ પ્રોજેક્ટ તેમના જીવન અને પર્યાવરણ માટે મોટો ખતરો છે.
આંદોલનકારીઓએ સરકાર પર ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે અને પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. જા સરકારે આ પ્રશ્ન પર યોગ્ય પગલાં ન લીધા તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળે જણાવ્યું કે, “પાણી જ્યાં જીવન છે, ત્યાં આજે આ દૂષિત પાણીએ પોરબંદરના દરિયાકાંઠા અને જીવજંતુઓ માટે મરણાકાર રીતે જાખમ ઊભું કર્યું છે,”
ભાજપ સરકારના નેતાઓ લોકહિતમાં નહીં પરંતુ ઉદ્યોગોના હિતમાં કાર્ય કરી રહ્યા છે તેમ પોરબંદરના યુવાન આગેવાને કહ્યું હતું. આંદોલનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે જા આ ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ તરત જ રદ નહીં થાય, તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે. પોરબંદરના નાગરિકો મજબૂત અને સંકલ્પબદ્ધ છે કે આ પ્રશ્નને ઉકેલવામાં માત્ર મૌખિક વચનો નહીં, પરંતુ તાત્કાલિક પગલાં લેવા જાઈએ.
સ્થાનિકોનો દાવો છે કે ૧૧૦૦ દિવસ સુધી શાંતિપૂર્ણ રજૂઆતો છતાં સરકાર બહેરી બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક વચન આપ્યું હતું કે પ્રોજેક્ટ પોરબંદરવાસીઓની મંજૂરી વગર આગળ નહીં વધે છતાં પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખ્યું છે, જેના કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો છે. સ્થાનિકોનું માનવું છે કે દૂષિત પાણી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ તેમના આરોગ્ય માટે પણ ખતરો છે. આ આંદોલન હવે રાજ્યવ્યાપી બની શકે છે અને સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. જાવાનું એ રહ્યું કે સરકાર આ મુદ્દે શું પગલાં લે છે.