રાજધાની દિલ્હીમાં થયેલા રમખાણોમાં ષડયંત્રના આરોપમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે મોટી રાહત આપી છે. દિલ્હીની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને ૭ દિવસના વચગાળાના જામીન આપ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમર ખાલિદે તેના પિતરાઈ ભાઈ અને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે ૧૦ દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા. જાકે, કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને ૨૮ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી સુધી ૭ દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા.
ઉમર ખાલિદ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઉમર ખાલિદ પર ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમાં થયેલા રમખાણોનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૦માં દિલ્હીમાં નાગરિકતા સંશોધન અધિનિયમ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનના વિરોધ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર ૨૦૨૦માં ખાલિદની ધરપકડ કરી હતી.
જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર દિલ્હી પોલીસે દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. ઉમર ખાલિદની ગેરકાનૂની ગતિવિધિ નિવારણ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ઉમર ખાલિદ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ભીડ એકઠી કરવી, રાજદ્રોહ, ગુનાહિત કાવતરું અને અન્ય ઘણી કલમો હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે.