અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ અને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરે સ્વાગત કાર્યક્રમ, નાગરિકોના જૂના પ્રશ્નોનું નિવારણ, પીએમ વિશ્વકર્મા, પીએમ જન આરોગ્ય, આવાસ, સ્વામીત્વ, ગંગાસ્વરૂપ આર્થિક સહાય સહિતની યોજનાઓની લાભાર્થીઓને સહાય ઉપરાંત પીવાના પાણીના પ્રશ્નો, વીજ પુરવઠા અને કનેકશનને લગતી બાબત તથા જમીન ફાળવણીને લગતી જરુરી કાર્યવાહી ત્વરાએ થાય તે જોવા દિશાનિર્દેશો આપ્યા હતા. વધુમાં કચેરીઓની કામગીરીને વ્યાપક પ્રમાણમાં નાગરિકોને જાણકારી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર કાર્યરત થવા સૂચના આપી હતી. વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, હિરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ કચેરીઓના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથે આગળની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ – ધારાસભ્યોએ વિવિધ વિસ્તારોના રસ્તા, વીજળી, પીવાનું પાણી, જમીન પાણી, ચેકડેમ, અગરીયાઓના પ્રશ્નો, સહકારી મંડળી, વાસ્મોની કાર્યવાહી, વિવિધ યોજનાકીય સહાય સહિતની બાબતે ઘટતું થાય તે માટે ધારાસભ્યોએ રજૂઆત કરી હતી, આ સંદર્ભે અમરેલી જિલ્લા કલેકટરે સંબંધિત કચેરીઓના અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. જિલ્લાની વિવિધ વાજબી ભાવની દુકાનના લાયસન્સની કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર દિલિપસિંહ ગોહિલે કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, શેત્રુંજી નાયબ વન સંરક્ષક જયન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા, પ્રાંત અધિકારીઓ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, પાણી પુરવઠા, જળસિંચન, વન, પોલીસ, એસ.ટી., નગરપાલિકા તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મયોગીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.