ધોરાજી શહેરમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. વહીવટદારના શાસન હેઠળ ચાલી રહેલા વિકાસ કામોને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. શહેરમાં હાલ રોડની બંને બાજુ ફૂટપાથ રીનોવેશન અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ફૂટપાથની કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની થઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ન તો શરતોનું પાલન થઈ રહ્યું છે, કે ન તો ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. વધુમાં તેમણે આરોપ મૂક્યો કે કોન્ટ્રાક્ટર પાસેથી ભાજપ દ્વારા ફંડ લેવામાં આવ્યું છે. આ આરોપોનો જવાબ આપતા શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી વહીવટદારના શાસન હેઠળ, કોંગ્રેસના શાસનકાળમાં અધૂરા રહેલા વિકાસ કામો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર શહેરના વિકાસને અટકાવવાનો અને “હવનમાં હાડકા નાખવા”નો આરોપ મૂક્યો હતો.