છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં બાળ તસ્કરીનું પ્રમાણ વધ્યું છે. તેમાં વધુ એક સાબરકાંઠા જિલ્લાનું નામ પણ હવે ઉમેરાયું છે. રૂપિયા ૬૦,૦૦૦ ની લેતીદેતી મામલે સગીરાને વેચી દેવાયાનો કિસ્સો બહાર આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠાના હિંમતનગર સાબરડેરી નજીક છાપરીયા વિસ્તારમાં રહેતા પરિવારે (રાવળ હાલુભાઈ હકરાભાઈ) મોડાસાના યુવક (અર્જુન નટ) પાસેથી રૂપિયા ૬૦,૦૦૦ ઉછીના લીધા હતા. જાકે બે વર્ષમાં પૈસાનો વ્યાજ ગણી ૬૦,૦૦૦ની જગ્યાએ રૂપિયા ચાર લાખ માંગતા પરિવાર આપી શક્યો ન હતો. જેના પગલે મોડાસાના આરોપીઓએ મારામારી કરીને રૂપિયા ત્રણ લાખમાં સગીરાને વેચી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, સગીરાને વેચી નાખવાના મામલે સ્થાનિક પોલીસ મથકે જાણ કર્યા બાદ સગીરાના પિતા અને માતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા માટે પહોંચ્યા હતા. પરંતુ સગીરાના પિતા ફરિયાદ નોંધાવે તે પહેલા જ તેઓ પોલીસ સ્ટેશનથી ફરાર થઈ ગયા હતા. અંતે આ સમગ્ર મામલે હિંમતનગરના ડિવિઝન પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી તેમજ ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે.
હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આરોપી પાસેથી પ્રાથમિક વિગત મેળવી હતી. આ વિગતો અનુસાર માહિતી મળી હતી કે, હાલુભાઈના ઘરે જઈ મોડાસાના શખ્સોએ તેમના પાસેથી કાગળ પર અંગૂઠા લીધો અને સગીર વયની દીકરીને બળજબરીપૂર્વક પૈસાના બદલામાં ઉઠાવી લઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે અર્જુન નટ સાથે અન્ય બે આરોપીને ઝડપી પાડ્યા હતા. એ-ડીવિઝન પોલીસે બાળ તસ્કરી તેમજ અપહરણનો ગુનો નોંધી ત્રણ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
આમ, આજના સમયે હળાહળ કળિયુગનો જીવતો પુરાવો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે. આ પ્રકારના મોટાભાગના કિસ્સાઓમાં પરિવાર સહિત સગાસંબંધી આરોપી નીકળતા હોય છે. પરિણામે આ બાબતને ધ્યાનમાં રાખી પોલીસે સગીરાના માતા-પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. ઝૂંપડામાં રહેતાં પરિવારે સગીરાને વેચી હોવાની ઘટનાને પગલે સમગ્ર જિલ્લા સહિત રાજ્યભરમાં હડકંપ સર્જાયો છે.મહત્વની બાબત એ છે કે, થોડા સમય અગાઉ ખેડબ્રહ્મા તાલુકામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો હતો અને આરોપીની અટકાયત પણ થઈ હતી. સમગ્ર મામલે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ મૂક્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલે પોલીસે બાળ તસ્કરીનો ભોગ બનેલી સગીરાની શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે.