ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંડર-૧૯ મહિલા એશિયા કપ ૨૦૨૪નું ટાઇટલ જીત્યું છે. રવિવારે (૨૨ ડિસેમ્બર) કુઆલાલંપુરના બ્યુમસ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને ૪૧ રને હરાવ્યું હતું.ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે ૧૧૮ રનનો ટાર્ગેટ હતો, જેનો તે સફળતાપૂર્વક પીછો કરી શકી નહોતી. બાંગ્લાદેશની ટીમ માત્ર ૭૬ રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
મેચના શરૂઆતમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૭ વિકેટે ૧૧૭ રન બનાવ્યા હતા. જેમાં ભારતના ઓપનર ગોંગડી ત્રિશાએ ૪૭ બોલમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. જ્યારે મિથિલા વિનોદે ૧૭ રન, કેપ્ટન નિક્કી પ્રસાદે ૧૨ રન અને આયુષી શુક્લાએ ૧૦ રન બનાવ્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઇસ્મિને સૌથી વધારે ચાર વિકેટો લીધી હતી.
બાંગ્લાદેશની ટીમ ૧૮.૩ ઓવરમાં માત્ર ૭૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર ઝુરિયા ફિરદૌસે ૩૦ બોલમાં ૨૨ રન બનાવ્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા માર્યા હતા. જ્યારે ઓપનર ફાહોમિદા ચોયાએ ૧૮ રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય બાંગ્લાદેશી બેટ્‌સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારતીય ટીમ માટે લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. સ્પિન બોલર સોનમ યાદવ અને પારુણિકા સિસોદિયાને પણ બે વિકેટ મેળવી હતી. વીજે જાશીથાને પણ એક વિકેટ મળી હતી.