બગસરામાં દલિત સમાજ દ્વારા મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં ડો. બાબા સાહેબ આંબેડકર વિષે કરવામાં આવેલા એક નિવેદનના વિરોધમાં હતું. દલિત સમાજે આવેદનમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના અમલના ૭૫ વર્ષ નિમિત્તે લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એ એક ફેશન થઈ ગઈ છે એવું નિવેદન આપ્યું હતું. દલિત સમાજનો આક્ષેપ છે કે અમિત શાહે એવું કહીને કે “આટલું નામ ભગવાનનું લીધું હોય તો સાત જન્મ સુધારી જાય,” ડો. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે અને સમગ્ર દલિત સમાજની લાગણી દુભાવી છે. આ નિવેદનના વિરોધમાં દેશભરમાં અનેક સ્થળોએ દલિત સમાજ દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે ગૃહમંત્રી અમિત શાહ જાહેરમાં માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે.