કોડીનાર તાલુકાના ઘાંટવડમાં આવેલી કન્યા શાળાના કેમ્પસમાં ૪૦ વર્ષ જૂનું બંધ બાલમંદિર અને આરોગ્ય વિભાગનું જર્જરિત બાંધકામ વિદ્યાર્થીનીઓ માટે ભયનું કારણ બન્યું છે. આ જર્જરિત બાંધકામોને કારણે શાળામાં અભ્યાસ કરતી ૩૨૫ વિદ્યાર્થીનીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. તાજેતરમાં યોજાયેલી શાળાની વાલી મીટીંગમાં ઉપ સરપંચ સહિત તમામ વાલીઓએ આ જર્જરિત બાંધકામો દૂર કરવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. ઘાંટવડ કન્યા પ્રાથમિક શાળાના પરિસરમાં છેલ્લા ૪૦-૪૫ વર્ષથી એક બંધ બાલમંદિર અને આરોગ્ય વિભાગનું બાંધકામ આવેલું છે. આ બંને બાંધકામો વર્ષોથી બંધ હાલતમાં હોવાથી અત્યંત જર્જરિત થઈ ગયા છે. હાલમાં આ બાંધકામની છતના પોપડા ખરી રહ્યા છે અને ગમે ત્યારે આ જર્જરિત બાંધકામ પડી શકે તેવી સ્થિતિમાં છે. જેના કારણે અહીંથી પસાર થતા બાળકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ બાલમંદિર અને આરોગ્ય વિભાગનું જર્જરિત બાંધકામ કોઈ પણ ઉપયોગ વગર ચાર દાયકાથી બંધ હાલતમાં છે અને શાળાના મેદાનમાં હોવાથી તે અડચણરૂપ પણ છે. કન્યા શાળા પાસે મેદાનની પૂરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીનીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.