ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ રસ્તાના કામોમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં ચાલી રહેલા ડામર રોડના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે. લોકોની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. થોડા સમય પહેલાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વોર્ડ નંબર નવમાં બસ સ્ટેશન પાસે ચાલી રહેલા કામની મુલાકાત લીધી હતી. ત્યાં કોન્ટ્રાક્ટરના મજૂરોએ પણ સ્વીકાર્યું હતું કે ડામરમાં જોઈએ તેટલી ગરમી નથી. આ ઉપરાંત સ્થાનિક ભાજપના આગેવાને પણ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવી કામ બંધ કરાવ્યું હતું. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં પણ નબળું મટીરીયલ વપરાતું હોવાથી સોસાયટીના લોકોએ રોડનું કામ અટકાવ્યું હતું. તાજેતરમાં ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં રોડ બન્યા પછી તરત જ તેના પરથી કાંકરીઓ નીકળી જતી હતી અને હાથ વડે ડામર ઉખાડી શકાતો હતો.