તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન સમસ્યાઓથી ઘેરાયેલો છે. રવિવારે લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો અને ફૂલોના વાસણો અને અન્ય વસ્તુઓ તોડી નાખી. તેના ઘરે ટામેટાં પણ ફેંકવામાં આવ્યા છે. અભિનેતાના ઘર પર હુમલો કરનારાઓ પોતાને ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના સભ્ય ગણાવતા હતા. હવે આ સમગ્ર ઘટના પર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમ રેવંતે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું છે- “હું ફિલ્મી હસ્તીઓના ઘરો પરના હુમલાની નિંદા કરું છું. હું રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનરને કાયદો અને વ્યવસ્થાના મામલે કડક પગલાં લેવાનો આદેશ આપું છું. કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સત્તાવાળાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે અસંબંધિત પોલીસ કર્મચારીઓ સંધ્યા થિયેટરની ઘટના પર પ્રતિક્રિયા ન આપે.”
હકીકતમાં, ૪ ડિસેમ્બરે હૈદરાબાદના એક થિયેટરમાં ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ના પ્રીમિયરમાં અભિનેતા અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ૩૫ વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનો આઠ વર્ષનો પુત્ર ઘાયલ થયો હતો. રવિવારે અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરી રહેલા લોકો તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને મૃતક મહિલાના પરિવાર માટે ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાયની માંગ કરી રહ્યા હતા.
અગાઉ, અભિનેતા અલ્લુ અર્જુને તેના તમામ ચાહકોને કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષા અથવા ટિપ્પણીઓ ઓનલાઇન અથવા ઓફલાઇનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેણે ફેક આઈડી અને ફેક પ્રોફાઈલ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. અલ્લુ અર્જુને સીએમ રેવન્ત રેડ્ડીના આરોપોને પણ નકારી કાઢ્યા છે કે પોલીસની પરવાનગી ન હોવા છતાં અલ્લુ અર્જુન ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં ગયો હતો.