અમદાવાદના નારણપુરામાં રહેતા એક યુવકને સીબીઆઇના અધિકારીની ઓળખ આપીને તેની સાથે રૂ.૨,૯૨,૪૪૦ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ નારણપુરામાં મીરામ્બીકા સ્કૂલ પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા જૈનમ બિપીનભાઈ શાહ(૨૫) ને ૩૦.૧૧.૨૦૨૪ થી ૨.૧૨.૨૦૨૪ દરમિયાન કોઈ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. આ શખ્સે ઈન્ટરનેટના માધ્યમથી વિડીયો કોલ કરીને જૈનમ શાહને ખોટા દસ્તાવેજા બતાવીને તેમજ સીબીઆઈના અધિકારીની ઓળખ આપી હતી. બાદમાં આ શખ્સે જૈનમ શાહને ગેરકાયદે પ્રવૃતિના ખોટા કેસમાં ફસાવી દેવાનું દબાણ કર્યું હતું. બાદમાં આ શખ્સે જૈનમ શાહના બેન્ક ખાતામાં રહેલા નાણાં તપાસના કામે સીઝ કરવાના છે, એમ કહ્યું હતું. બાદમાં આ શખ્સે પોતાના ખાતામાં રૂપિયા ૨,૯૨,૪૪૦ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરી હતી.આ અંગે જૈનમ શાહે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.