હિંદી ફિલ્મનું આ સુમધુર ગીત મનની અપ્રતિમ શક્તિ દર્શાવે છે. જ્યારે એ અપ્રતિમ શક્તિવાળુ મન બીમાર બને છે ત્યારે તેને સ્વસ્થ કરવું એ ઘણું જ ધૈર્ય અને મહેનત માગે છે.
જીવન એક અજ્ઞાતની યાત્રા છે. આ યાત્રામાં વ્યક્તિ સમક્ષ બે માર્ગ હોય છે. ૧) શ્રેયનો માર્ગ ૨) પ્રિય લાગે તેવો માર્ગ. તેમાં શ્રેયનો માર્ગ એટલે સદા માટે બધા પ્રકારના દુઃખોથી છુટીને નિત્ય આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પુરૂષોતમને પ્રાપ્ત કરવાનો માર્ગ. બીજુ એટલે કે પ્રેય માર્ગ જેમાં સાંસારિક સુખ ભોગ વિલાસની સામગ્રીઓ અને તેની પ્રાપ્તિનો ઉપાય. બુધ્ધિમાન પુરૂષ બંન્ને માર્ગોનો બરાબર વિચાર કરીને પુરૂષાર્થ દ્વારા શ્રેય માર્ગને પસંદ કરે છે અને અધ્યાત્મ માર્ગનું અનુસરણ કરીને સંસારરૂપી શોક સમુદ્રને સહજભાવથી પાર કરી જાય છે.
સંસારમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેને કોઈ શારીરિક કે માનસિક રોગ ન હોય. વાત, પિત અને કફ વિષમ થવાના કારણે રોગ ઉત્પન્ન થાય છે.
“આધુનિક સભ્યતાએ માનસિક રોગીઓની સંખ્યામાં વૃધ્ધિ કરેલ છે.”
પ્રસિધ્ધ પાશ્ચાત્ય મનોચિકિત્સક ડા. સિગમંડ ફ્રોઈડે પ્રબળ કામશક્તિના દમનને કારણે માણસ મનોરોગી બને છે તેવું દર્શાવેલ છે. અત્યારના સમયમાં અનિયંત્રિત ભોગ ઈચ્છા માનસિક રોગનો મૂળ હેતુ બની જાય છે. શારીરિક સુખની ઈચ્છા ઈન્દ્રિય ભોગને કારણે ઉત્પન્ન ભોગને થાય છે અને સમાજના ભયથી અથવા નૈતિક મુલ્યોને કારણે આ ભાવનાઓની ઈચ્છાઓની આકાંક્ષાઓની પૂર્તિ થતી નથી ત્યારે તે દમિત થાય છે. આ અતૃપ્ત આકાંક્ષાઓ માનસિક રોગોમાં પ્રતિક રૂપે પ્રકાશિત થાય છે. અર્થાત અમર્યાદિત કામોપભોગથી દૂર રહેવું જોઈએ.
ભગવદ્ ગીતામાં યુક્ત આહાર વિહાર દ્વારા દુઃખોથી છુટવાનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણની અમોઘ વાણીમાં દર્શાવેલ છે. આપણે જેવો સંગ કરીએ છીએ, જેવું વિચારીએ છીએ તેવા જ બની જઈએ છીએ. તેથી જ સદ્દગ્રંથ આપણને સતપથ પર ચાલવાનો આદેશ આપે છે. કારણ કે સત્વ ગુણનો આરોગ્ય સાથે ધનિષ્ઠ સંબંધ છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યને રોગ, ચિંતા તથા પ્રમાદ તરફ લઈ જાય છે. જેનાથી જીવનમાં શારીરિક રોગો જેવા કે ઉંચુ લોહીનું દબાણ, લીવરની બીમારી, મધુપ્રમેહ, કેન્સર જેવી બીમારીઓથી મનુષ્ય ગ્રસિત થાય છે અને તે અતિશય દુઃખદ છે.
સત્વગુણી કોને કહી શકાય? ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કહેવાયું છે કે, આસ્તિક, સંતુલન કરનાર, શાંત ચિત રાખનાર, સત્ય વચન બોલનાર, બુધ્ધિશાળી, ધીરજવાન, ક્ષમા તથા કરૂણાથી યુક્ત, અભિમાન વગરનો, ખોટી ઈચ્છાઓથી રહિત, આનંદપૂર્વક પોતાનું કર્મ કરનાર, વિનયશીલ પુરૂષ તથા સદૈવ ધર્મનો આદર કરનાર જ સત્વગુણ સંપન્ન કહેવામાં આવે છે. આવા દિવ્ય ગુણોને કારણે જ્ઞાનીઓએ આવા સત્પુરૂષોનું મહિમાગાન કરેલ છે.
પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો માને છે કે, મનુષ્યનું મન સમુદ્રમાં તરતા બરફ જેવું છે. જેનો એક અંશ પાણી પર દેખાય છે. બાકીના આઠ ભાગનો બરફ પાણીની અંદર હોય છે. બહાર દેખાતો ભાગ જેને ચેતન મન સમજવામાં આવે છે અને અદૃશ્ય ભાગને અચેતન મન કહેવામાં આવે છે.
મનુષ્યનું ચેતન મન જ્યારે ઉંઘી જાય છે ત્યારે અચેતન મન જાગતું રહે છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’ અનુસાર સુષુપ્તિ અર્થાત ગાઢ ઉંઘમાં મનુષ્ય ઈશ્વર સાથે જોડાઈ જાય છે. મનમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. જેમ અરિસામાં મનુષ્યનું પ્રતિબિંબ પ્રવેશ કરે છે. સમાધિમાં તથા શાંત મનની સ્થિતિમાં સુવાથી જીવાત્મા પરમાત્મા સાથે જોડાઈ જાય છે. મનુષ્ય જાગૃત થાય ત્યારે તાજગી અનુભવે છે. (ક્રમશઃ)