દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસે માહિતી આપી છે કે દિલ્હીમાં રેલ ભવનની બહાર એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વ્યક્તિએ શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર રેલ ભવન ચોક પર એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિનું નામ જિતેન્દ્ર છે અને તે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાનો રહેવાસી છે. જ્યારે વ્યક્તિએ પોતાની જાતને આગ લગાડી ત્યારે ઘટના દરમિયાન સ્થાનિક પોલીસ અને રેલ્વે પોલીસે કેટલાક લોકો સાથે મળીને તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી અને વ્યક્તિને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ વ્યક્તિનો મામલો કદાચ યુપીના બાગપતમાં અંગત દુશ્મનીનો છે. પોતાની જાતને આગ લગાડનાર જિતેન્દ્ર શરીર પર ૯૦ ટકા દાઝી ગયો છે. મળતી માહિતી મુજબ પોલીસને જીતેન્દ્ર પાસેથી એક ડાયરી અને બે પાનાની સુસાઈડ નોટ પણ મળી છે. જિતેન્દ્રને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.