સાવરકુંડલાની વી.ડી. કાણકિયા કોલેજમાં આજે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી થઇ હતી. આ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો સાહિબજાદા, બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની યાદમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન શહેર ભાજપ દ્વારા કરાયું હતું. આ તકે કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના નવનિયુક્ત પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડનું સન્માન કરાયું હતું. આ દિન વિષે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજે વિસ્તૃત માહિતી આપી હતી. કોલેજના આચાર્ય રવૈયાએ જણાવ્યું હતું કે, વીર બાળ દિવસ આપણામાં દેશપ્રેમ અને બલિદાનની ભાવના જગાવે છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.