તાલુકા પંચાયત પ્રમુખના નામે બનાવટી લેટર વાયરલ થયા બાદ ભાજપ આગેવાનોમાં આક્રોશ
બનાવટી લેટર અને સહી સિક્કાનો ઉપયોગ કરનારાઓની ધરપકડ કરવા માંગ
અમરેલી જિલ્લામાં સંગઠનના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંગઠનને મજબૂત બનાવનાર અને જિલ્લામાં વિકાસના કામો કરાવનાર ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા વિરૂધ્ધ માનસિકતા ધરાવતા લોકોનો બનાવટી લેટર વાયરલ થયો છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામનો ખોટો લેટર પેડ, ખોટો સિક્કો અને ખોટી સહી સાથે આ લેટર બનાવવામાં આવ્યો છે અને આ વાતની પુષ્ટી ખુદ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ કરી છે. લેટરમાં કૌશિકભાઈ વેકરીયાના અડગ નેતૃત્વ અને સ્વચ્છ છબી પર દાગ લાગે તેવા હીન પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી અને એવું જ થયું. લેટરની વાત બહાર આવતા જેના નામે લેટર ફરતો થયો છે એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ પોતાના નામનો ખોટી રીતે ઉપયોગ કરીને બનાવટી લેટર તૈયાર કરનારા સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે અને તેની વિરૂદ્ધમાં કડકમાં કડક ફરિયાદ કરવાની વાત પણ તેમણે કરી છે. અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળે જણાવ્યું હતું કે, અમુક લોકોની આવા બનાવટી લેટર લખવામાં હોશિયારી છે અને આવુ કરતા આવ્યા છે અને જાણીએ છીએ કે આવું હીન કૃત્ય કોણ કરી શકે! આવા લોકોનું જાહેરજીવનમાં કોઈ સ્થાન નથી આ બાબતે હું સ્પષ્ટતાપૂર્વક કહેવા માગુ છું કે કૌશિકભાઈ વેકરીયા વિરૂધ્ધ ખોટા કાવતરા કરવાનું બંધ કરી દેજો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમરેલીમાં જે વિકાસનો પથ તૈયાર થઈ રહ્યો છે તે કૌશિકભાઈ વેકરીયાને આભારી છે. અમરેલીની ચારેકોર વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને ધારાસભ્ય તરીકે તેમણે હંમેશા પ્રજાહિતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, પાયાવિહોણી વાતો કરવાથી સૂરજના પ્રકાશને ઝાંખો ન પાડી શકાય. કૌશિકભાઈ વેકરીયાના કામ બોલે છે અને ખરા અર્થમાં તેઓ અમરેલી જિલ્લાના સાચા લોકસેવક સાબિત થયા છે ત્યારે આવા બોગસ લેટરપેડ અને સહી સિક્કા બનાવી ધારાસભ્યને બદનામ કરવાના પ્રયાસને વખોડી કાઢવામાં આવ્યો છે. લેટર વાયરલ થયા બાદ ભાજપ આગેવાનોમાં આક્રોશ વ્યાપ્યો છે.