* દિવેલા શા માટે ખેડૂતો માટે ખુબ જ મહત્વનો તેલીબિયાંનો રોકડિયો પાક છે.?
• દિવેલા દેશનો અગત્યનો અખાધ તેલીબિયાંનો રોકડિયો પાક છે. દિવેલાનું ઔદ્યોગિક મહત્વ વધુ છે. જેથી દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે. તેના તેલની ગુણવત્તાને લીધે એન્જીનોના ઊંજણમાં, રંગ – રસાયણોની બનાવટમાં અને વિવિધ ઔદ્યોગિક બનાવટો જેવી કે પ્લાસ્ટીક, સાબુ, છાપકામની શાહી, મીણ, હાર્ડ પ્લાસ્ટીક સીટ, રબર, કોસ્મેટીક આઈટમો અને દવાઓમાં વપરાય છે.
• તદુઉપરાંત છોડના માવાનો ઉપયોગ પૂઠાં અને સમાચારપત્રો માટેના કાગળોની બનાવટમાં થાય છે.
• વધુમાં, દિવેલાના ખોળમાં રહેલ રેસીન નામના કેફી તત્વને લીધે તે પશુઓના ખાણદાણમાં વાપરી શકાતો નથી. પરંતુ તેમાં ૪ ટકા નાઇટ્રોજન તત્વ હોય છે જેથી જમીનની ફળદ્રુપતા સુધારવા સેન્દ્રિય ખાતર તરીકે તે ખૂબ જ ઉપયોગી છે.
• સૌથી મહત્વની વાત એ કે,ઓછા ભેજ સામે ટકી રહેવાની વધુ શક્તિ, ઓછા ખર્ચે વધુ આર્થિક નફો આપતો તથા ઓછા રોગ – જીવાતના પ્રશ્નોને કારણે દિવેલાનો પાક પિયત તથા બિનપિયત તરીકે ગુજરાત તથા દેશના ઘણા રાજ્યોના ખેડૂતોમાં લોકપ્રિય થવાથી તેનો વાવેતર વિસ્તાર વર્ષો વર્ષ ઝડપથી વધતો જાય છે .
ષ્ કેવા પ્રકારની જમીન અને આબોહવા દિવેલા પાકને ખૂબ જ માફક આવે છે?
• દિવેલાનો પાક લાંબા ગાળાનો હોવાથી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. તેમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી કાળી જમીન અને ક્ષારીય જમીન ઓછી માફક આવે છે .
• જો કે મધ્યમ અમ્લીય જમીનમાં આ પાક લઈ શકાય છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન આ પાકને ખૂબ જ માફ્ક આવે છે.
• તદુઉપરાંત, પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોઈ બિનપિયત પાક તરીકે સૂકા વિસ્તારોમાં સારું ઉત્પાદન આપે છે તથા પિયત ખેતીમાં બે થી ત્રણ ગણું ઉત્પાદન લઈ શકાય છે.
• આ પાક વધુ પડતી ઠંડી અને હીમ સહન કરી શકતો નથી. આ પાકની વાવણી માટે ઉનાળામાં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવતેર કરવું.
* કેવા પ્રકારની દિવેલા પાકની જાતોની પસંદગી ખેડૂત મિત્રોએ કરવી જોઇએ?
ગુજરાત રાજ્યના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા દિવેલાની યુનિવર્સિટી દ્વારા સુધારેલ હાઈબ્રીડ જાતો વાવેતર માટે નીચે મુજબની જાતો ભલામણ કરવામાં આવેલ છે:
• ગુજરાત દિવેલા-૧ સંકરઃ બીનપિયતમાં,
• ગુજરાત દિવેલા-૨ પિયતઃ બિનપિયત ખેતી, ગુજરાત દિવેલા સંકર-૧: પિયત-બિનપિયત ખેતી માટે
• ગુજરાત દિવેલા સંકર-૨: મૂળના કહોવારા સામે પ્રતિકારકતા તથા પિયત/બિનપિયતમાં,
• ગુજરાત દિવેલા સંકર-૪: સુકારા સામે પ્રતિકારકતા, પિયત ખેતી માટે વધુ અનુકૂળ છે. ગુજરાત દિવેલા સંકર-૫ઃ મોડી વાવણી માટે પિયત તથા બિનપિયતમાં અનુકૂળ
જાત, લાંબી ઘરૂમાળો તથા સૂકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
• ગુજરાત દિવેલા સંકર-૬ઃ મૂળના કોહવારા સામે પ્રતિકારક, બિનપિયત માટે અનુકૂળ છે
• ગુજરાત દિવેલા સંકર-૭ (૨૦૦૬): સૂકારા – કૃમિ અને મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. પિયતમાં વધુ અનુકૂળતા તથા ૩૦૦૦ કિ.ગ્રા./હે. વધુ
ઉત્પાદન આપતી જાત છે.

* ખેડૂત મિત્રોએ દિવેલા પાક બીજની માવજત, વાવણી સમય અને વાવણી અંતર માટે યોગ્ય શુ પગલાં લેવા જોઇએ?
• જો દિવેલા પાક બીજની માવજત વાત કરીએ તો, જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતાં પહેલાં બીજને ફૂગનાશક દવા ( થાયરમ ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવિસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી ત્યારબાદ વાવણી કરવી. દિવેલાની હાઇબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો વધુ આગ્રહ રાખવો જેથી અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.
• જો વાવણી સમયની વાત કરીએ તો, પિયત ખેતી માટે દિવેલાની વાવણી ૧૫ મી ઓગસ્ટ પછી કરવાથી પાકને ઘોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ છતાં જુદી જુદી જાતો પ્રમાણે ભલામણો કરેલ છે. બિનપિયત દિવેલાની વાવણી, વાવણીલાયક વરસાદ થયેથી જુલાઈ માસના બીજા પખવાડિયામાં કરવી. મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે.
દિવેલા પાક વાવણી અંતરની વાત કરીએ તો, વાવણી અંતર સામાન્ય રીતે જમીનની ફળદ્રુપતા તથા જમીનના પ્રકાર પર આધાર રાખે છે .
• ગુજરાત દિવેલા સંકર-૧ અને ૨: જુલાઈના અંતથી ૧૫ ઓગસ્ટ સુધીમાં ૯૦ x ૬૦ સે.મી.ના અંતરે વાવણી કરવી.
• ગુજરાત દિવેલા સંકર-૪ અને ૬ઃ ઓગસ્ટ મધ્યમાં ૧૨૦ ઠ ૬૦ સે.મી.ના અંતરે વાવણી કરવી.
• ગુજરાત દિવેલા સંકર-૫ઃ ઓગસ્ટ મધ્યથી સપટેમબરના પ્રથમ પખવાડીયા સુધીમાં ૧૫૦ ઠ ૭૫ સે.મી.ના અંતરે વાવણી કરવી. રવિ દિવેલાની વાવણી૧૫ ઓગસ્ટ સુધીમાં ૯૦ ઠ ૬૦ સે.મી.ના અંતરે વાવણી કરવી. રવિ ઋત્રુની વાવણી માટે જી.સી.એચ.-૫ જાત ભલામણ કરેલ છે.
• ગુજરાત દિવેલા સંકર-૭, ૮,૯,૧૦ તેમજ ગુજરાત દિવેલા- ૩ અને
૧૦ : ખરીફ દિવેલાની વાવણી ઓગસ્ટના બીજા પખવાડીયા સુધીમાં ૧૫૦ x ૧૨૦ સે.મી.ના અંતરે વાવણી કરવી.
* દિવેલા પાકના પાયાના ખાતર માટે કેવી રીતે યોગ્ય વ્યવસ્થાપન કરવુ જોઇએ?
• દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે હેક્ટર દીઠ ૧૦ ટન છાણિયું ખાતર અથવા એક ટન દિવેલી ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો, આ બન્ને ન મળી શકે તો જૂનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.
• દિવેલાના પાક માટે કુલ ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૪૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર રાસાયણિક ખાતર આપવું. તેમાંથી ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૪૦ કિ.ગ્રા. પોટાશ / હેક્ટર, પાયાનું ખાતર ચાસમાં ૭ થી ૮ સે.મી. ઊંડે આપવું. બાકીનો ૮૦ કિલોગ્રામ નાઈટ્રોજન વાવણી બાદ ૪૦-૫૦ દિવસે અને ૭૦-૮૦ દિવસે બે સરખા હપ્તામાં આપવું જોઈએ.
• ગુજરાત દિવેલા સંકર-૭ અને ૯ દિવેલાની સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતને ૧૮૦: ૫૦: ૪૦ કિલોના ફો: પો / હે. આપવો, નાઈટ્રોજન ચાર સરખા હપ્તામાં વાવણી સમયે તથા વાવણી બાદ ૪૦-૫૦, ૭૦-૮૦ અને ૧૦૦-૧૧૦ દિવસે સરખા હપ્તામાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે .
* દિવેલા પાકને રાસાયણિક ખાતર સાથે સંકલિત ખાતર કેવી રીતે આપવુ જોઇએ?
• છેલ્લા સંશોધન પ્રમાણે દિવેલાના પાકને એકલું રાસાયણિક ખાતર આપવા કરતાં સંકલિત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.