રાજ્યમાં આજે કડકડતી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે સમગ્ર પંથકમાં ગાઢ ધૂમ્મસભર્યું વાતાવરણ જામ્યું હતું. ગાઢ ધૂમ્મસને પગલે વીઝીબ્લીટી ઘટતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો ઠંડીનો પ્રકોપ વધતા જનજીવન પર વ્યાપક અસર થઈ.અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઠંડી વધતા રાજ્યની અનેક શાળાઓમાં સવારના સમયમાં બદલાવ કરવામાં આવ્યો. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ, અમરેલી અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. બદલાતા હવામાનના કારણે ધાણા, ચણા જેવા વાવેતરને ધૂમ્મસથી નુકશાન થવાની શકયતા છે.
અત્યારે અનેક શાળાઓમાં ક્રિસમસની રજાઓ છે. ત્યારે ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. સાપુતારમાં ઠંડા-ઠંડા, કૂલ-કૂલના માહોલનો આનંદ લઈ રહ્યા છે. સાપુતારાની ગિરીકંદરાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું. ગિરીકંદરાઓ પર નયનરમ્ય નજારો જોવા મળ્યો. સાપુતારા ઉપરાંત ડાંગમાં પણ સમગ્ર પંથકમાં ધુમ્મસ સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરમાં થતી હિમવર્ષાના કારણે ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. હિમવર્ષા થતા હાલમાં કાશ્મીરના ગુલમર્ગ અને પહેલગામમાં તાપમાન શૂન્યથી નીચે છે. ઉત્તરથી આવતા ઠંડા પવનોના કારણે દિલ્હી, રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ તાપમાન ઘટ્યું છે. આ સપ્તાહ દરમ્યાન હજુ પણ ઠંડી વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે. બે દિવસ લઘુત્તમ તાપમાનમાં વધારા બાદ ફરીથી ઘટાડો થયો છે.છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ગગળ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં ફરીથી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.
હવામાન વિભાગે આજે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ડીસામાં ૯.૬, ગાંધીનગરમાં ૧૦.૬, ભુજમાં ૧૦.૮, રાજકોટમાં ૧૧, અમદાવાદમાં ૧૩ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.૬, વડોદરામાં ૧૫.૨ ડિગ્રી, દ્વારકામાં ૧૬, સુરતમાં ૧૮.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે રવિવારે નલિયામાં ૫.૬ ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં ૧૫, વડોદરામાં ૧૭.૮, ભાવનગરમાં ૧૪.૫, ભુજમાં ૧૦.૪, ડીસામાં ૧૩, ગાંધીનગરમાં ૧૪, દ્વારકામાં ૧૪.૪, જામનગરમાં ૧૪.૯, રાજકોટમાં ૯.૩, સુરતમાં ૧૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગેની આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી. ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફિલા પવનો આવી રહ્યા છે, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી અઠવાડિયામાં ઠંડી વધવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના અંતમાં ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૪ જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે.