ડો. મનમોહનસિંહનું નિધન થઈ ગયું. ભારતના ભૂતપૂર્વ નાણાં મંત્રી અને પછી સળંગ ૧૦ વર્ષ સુધી વડાપ્રધાન રહેલા ડો. મનમોહનસિંહની વિદાય સાથે જ ભારતે પોતાના એક વિરલ સપૂતને ખોઈ દીધો. લાંબા સમયથી બીમાર ડા. મનમોહન સિંહે ૨૬ ડિસેમ્બરે ૯૨ વર્ષની વયે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા એ સાથે જ દેશના ઈતિહાસનો એક યુગ પૂરો થઈ ગયો.
મનમોહન સિંહની વિદાય પછી આવી ગયેલા શ્રધ્ધાંજલિના ઘોડાપૂરમાં ભૂતકાળમાં તેમને ગાળો આપનારા પણ અત્યારે વખાણી રહ્યા છે. એક સમયે નહેરૂ-ગાંધી ખાનદાનની કઠપૂતળી ગણાવાયેલા ડો. મનમોહનસિંહે દેશને નવી દિશા આપવામાં કેવું જબરદસ્ત યોગદાન આપ્યું તેની વાતો ચાલી રહી છે. મનમોહનસિંહ આ પ્રસંશાના હકદાર હતા તેમાં કોઈ શક નથી પણ કમનસીબી એ કહેવાય કે, એ જીવતા હતા ત્યારે તેમના યોગદાનની બહુ કદર ના થઈ. ડો. મનમોહનસિંહ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી પણ મોટા સન્માનના હકદાર હતા કેમ કે મનમોહનસિંહે નાણાં મંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે કુલ ૧૫ વર્ષમાં દેશ માટે જે કર્યું તેના કરતાં વધારે જવાહરલાલ નહેરૂ સિવાય બીજા કોઈ વડાપ્રધાન કે નેતા નથી કરી શક્યા.
આર્થિક ઉદારીકરણ દ્વારા દેશની આર્થિક કાયાપલટ કરી નાંખવાથી માંડીને રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ દ્વારા દેશના જાહેર જીવનને એકદમ પારદર્શક અને લોકોને જવાબદેહ બનાવી નાખવા સુધીના તેમનાં કાર્યોના તોલે કશું ના આવે. રાઈટ ટુ એજ્યુકેશન, ફૂડ સીક્યુરિટી એક્ટ, મનરેગા, નેશનલ રૂરલ હેલ્થ મિશન સહિતની યોજનાએ દ્વારા મનમોહનસિંહે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને પોષણ એ ચાર પાયાની જરૂરીયાતોને સંતોષવાનો પ્રયત્ન કર્યો. તેના કારણે દેશમાં રામરાજ આવી ગયું એવું તો ના કહી શકાય પણ એક પાયો તેમણે તૈયાર કર્યો કે જેના પર ભવિષ્યના ભારતનું નિર્માણ થશે.
ડો. મનમોહનસિંહની ખાસિયત હતી કે, તેમણે કદી પોતાનાં કામોનો પ્રચાર ના કર્યો, પોતાના યોગદાનની વાતોને બઢાવી-ચઢાવીને રજૂ ના કરી. આ કારણે જ એક ક્રાંતિ લાવનારા વડાપ્રધાન હોવા છતાં કોઈએ તેમને દેશના મહાન વડાપ્રધાનોમાં ના ગણ્યા.
ડો. મનમોહનસિંહને તેનાથી બહુ ફરક નહોતો પડતો કેમ કે, ૨૦૧૨માં તેમણે સંસદમાં કહી દીધેલું કે, હજારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી…
ઓક્સફર્ડથી પ્લાનિંગ કમિશન સુધી- ૧૯૪૮માં મેટ્રિક થયા. કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ આૅફ ઈકોનોમિક્સમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ ૧૯૭૧માં તેઓ વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર બન્યા. ૧૯૭૨માં નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર બન્યા.
૧૯૮૫થી ૧૯૮૭ સુધી, તેઓ આયોજન પંચના વડા હતા અને ૧૯૮૨થી ૧૯૮૫ સુધી, તેઓ રિઝર્વ બેંકના ગવર્નર હતા. પીવી નરસિમ્હા રાવ સરકાર ૧૯૯૧માં નાણામંત્રી બન્યા હતા. ૨૦૧૮માં કોંગ્રેસમાંથી રાજ્યસભામાં પહોંચ્યા. તેમનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૪માં સમાપ્ત થયો હતો.
ડો. મનમોહનની સૌથી મોટી બે સિધ્ધી કઈ ?
આર્થિક ઉદારીકરણ અને અમેરિકા સાથેનો પરમાણુ કરાર. મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણ દ્વારા ભારતના મિડલ ક્લાસને શક્તિશાળી બનાવ્યો. કોંગ્રેસની વરસો જૂની સમાજવાદની નીતિના કારણે દેશમાં ચોક્કસ લોકો માલદાર બન્યા. દુનિયામાં નવું નવું થતું તેનો લાભ એ લોકોને જ મળતો. ટેલીફોન, કાર, ટીવી, ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે લક્ઝુરીયસ ચીજો મનાતી અને ધનિકોને જ એ પરવડતી. સામાન્ય માણસ બહુ બહુ તો સ્કૂટર કે ટીવી ખરીદી શકે. બીજી લક્ઝરીની કલ્પના પણ નહોતી થતી કેમ કે ભારતમાં એ બધું મળતું જ નહોતું. ઈન્ટરનેટ અને મોબાઈલ આવી ગયેલાં પણ ભારતમાં લોકોને તેની ખબર જ નહોતી.
નરસિમ્હા રાવ સરકારે દેશની આર્થિક સ્થિતી સુધારવા રાજકારણી નહીં એવા ડો. મનમોહન સિંહને નાણાં મંત્રી બનાવીને આર્થિક ઉદારીકરણની નીતિ લાવ્યા એ સાથે જ દેશના ઈતિહાસે કરવટ બદલી. ૨૪ જુલાઈ, ૧૯૯૧ના રોજ ડો. મનમોહનસિંહે રજૂ કરેલા પોતાના પહેલા બજેટમાં ભારતમાં ઉદારીકરણની શરૂઆત કરી અને લાઇસન્સ રાજ નાબૂદ કરી કંપનીઓને નિયંત્રણોમાંથી મુક્તિ આપી દીધી. મનમોહનસિંહે આયાત-નિકાસ નીતિમાં ફેરફાર કરીને વિદેશી કંપનીઓ માટે ભારતના દરવાજા ખોલી નાંખ્યા અને વિદેશી રોકાણ માટેના રસ્તા પણ ખોલી દીધા.
કાર, ટેલીકોમ, લક્ઝુરીયસ આઈટમ્સ, ઈલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર્સ સહિતનાં તમામ ઉત્પાદનોને દેશમાં પ્રવેશ આપીને મિડલ ક્લાસ પણ આ લક્ઝરી ભોગવી શકે એવી સ્થિતી કરી દીધી. ટેલીકોમ સ્પેક્ટ્રમની હરાજી કરીને મોબાઈલ અને ઈન્ટરનેટને દેશમાં પ્રવેશ અપાવીને મનોરંજન, કોમ્યુનિકેશન, બિઝનેસની કાયાપલટનો તખ્તો તૈયાર કરી દીધો.
મનમોહને અમેરિકા સાથે પરમાણુ કરાર કરીને દેશની વિદેશ નીતિની દિશા બદલી નાંખી. ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ બન્યા તેનો યશ ડો. મનમોહનસિંહને જાય છે. ૨૦૦૬માં ડા. મનમોહન સિંહે વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ જ્યોર્જ બુશ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પહેલાં ૧૯૭૪માં અને પછી ૧૯૯૮માં ભારતના પરમાણુ પરીક્ષણને પગલે અમેરિકાએ ભારત પર ઘણા પ્રતિબંધો મૂક્યા હતા. ભારત પરમાણુ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માગે તો પણ તેને માટે જરૂરી ટેકનોલોજી અને યુરેનિયમ આપવા અમેરિકા કે તેના સાથી દેશો તૈયાર નહોતા.
ડો. મનમોહનસિંહે અમેરિકા સાથે કરેલા કરાર હેઠળ ભારત પોતાના લશ્કરી અને નાગરિક પરમાણુ કાર્યક્રમને અલગ કરવા તૈયાર થયું. તેના બદલામાં અમેરિકા પરમાણુ શક્તિનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માટે ભારતને તમામ મદદ કરવા તૈયાર થયું. આ રીતે પરમાણુ ક્ષેત્રે ભારતનો ૩૦ વર્ષનો વનવાસ સમાપ્ત થઈ ગયો અને ભારતને પરમાણુ મહાસત્તા તરીકે માન્યતા મળી.
ડો. મનમોહનસિંહે આ કરાર પોતાની સરકાર ગબડવાનું જોખમ ઉઠાવીને લીધો હતો. આ કરારના વિરોધમાં ડાબેરી પક્ષોએ મનમોહન સરકારને ટેકો પાછો ખેંચી લીધો અને અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા. ડાબેરીઓ પાસે લગભગ ૬૦ સાંસદો હતા તેથી સરકાર ગબડી પડે એવી સ્થિતી હતી. સરકાર બચાવવા સોનિયા ગાંધી કરાર રદ કરવા તૈયાર હતાં પણ મનમોહનસિંહ પીછેહઠ કરવા તૈયાર નહોતા.
મનમોહનસિંહે ડાબેરીઓ દ્વારા લવાયેલી અવિશ્વાસની દરખાસ્તને ખાળીને જીત મેળવી અને તેમની સરકાર ટકી ગઈ. મનમોહનસિંહ મક્કમ ના રહ્યા હોત તો અમેરિકા સાથેના પરમાણુ કરારને અભરાઈ પર ચડાવી દેવો પડ્યો હોત. તેના બદલે વટભેર જીત મેળવીને મનમોહનસિંહે અમેરિકા સાથેના સંબંધોને વધારે મજબૂત કર્યા.
મનમોહનસિંહ આખી જીંદગી વિવાદોથી પર રહ્યા પણ રાજકારણીઓએ તેમના મોત પર વિવાદ ખડો કરી દીધો. મનમોહન સિંહના શનિવારે ૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ વાંધો ઉઠાવીને વિવાદ ખડો કરી દીધો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિગમ બોધ ઘાટ પર મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે એવી જાહેરાત કરી તેની સામે મહિલા કોંગ્રેસ પ્રમુખ અલકા લાંબાએ વાંધો લઈને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની વિરાટ પ્રતિભાને જોતાં આ સ્થાન યોગ્ય નથી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરેલી અને પત્ર પણ લખેલો. આ પત્રમાં કોંગ્રેસ તરફથી ભારપૂર્વક અપીલ કરાઈ હતી કે, ભારતના સપૂત સરદાર મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવી એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ હશે એ છતાં કેન્દ્ર સરકારે નિગમબોધ ઘાટની પસંદગી કરી.
આમ આદમી પાર્ટીએ તો આ વાતને શીખોના અપમાન સાથે જોડી દીધી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પહેલાં ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવતા હતા પણ ૧૦ વર્ષ ભારતના વડાપ્રધાન રહેલા ડા. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર ૧૦૦૦ વાર જમીન પણ ન આપી શકી.
નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર મુદ્દે વિખવાદ કેમ ?
નિગમ બોધ ઘાટ દિલ્હીમાં સૌથી જૂનું સ્મશાન છે. આ સ્મશાનની સ્થાપના મહાભારત કાળ દરમિયાન પાંડવોના સૌથી મોટા ભાઈ અને ઈન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરે કરેલી એવું મનાય છે. ઘાટના પ્રવેશદ્વારની નજીક ભગવાન શિવને સમર્પિત નીલી છત્રી મંદિર છે ને એ પણ યુધિષ્ઠિરે બનાવેલ એવું મનાય છે. કાશ્મીરી ગેટની બાજુમાં લાલ કિલ્લાની પાછળ આવેલો નિગમ બોધ ઘાટ સૌથી વ્યસ્ત સ્મશાનમાંથી એક છે અને સામાન્ય લોકો માટેનું સ્મશાન મનાય છે. એક દિવસમાં સરેરાશ ૫૦-૫૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર આ સ્મશાનમાં કરવામાં આવે છે. નિગમ બોધ ઘાટ પર કેટલાક ટોચના નેતાઓના અંતિમ સંસ્કાર થયા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. જો કે મનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતા તેથી થોડાક વધુ સન્માનના હકદાર હતા એ કારણે તેમને માટે મોદી સરકારે અલગ જગા ફાળવવાની જરૂર હતી એવો મુદ્દો ઉપસ્થિત કરાયો છે. મોદી સરકાર એ સૌજન્ય ના બતાવી શકી પણ તેના કારણે મનમોહનસિંહનું માન ઓછું થવાનું નથી. મનમોહનસિંહ સમાધિમાં ભલે ના રહે, લોકોના દિલમાં ચોક્કસ રહેશે. sanjogpurti@gmail.com