મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ નવા વર્ષમાં એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. પૂર્વ સીએમ દિગ્વીજય સિંહ અને ઉમા ભારતીની જેમ સીએમ મોહન યાદવ પણ સીએમ આવાસ પર જનતા દરબાર યોજશે. સીએમ મોહન યાદવ લોકોને મળશે અને તેમની સમસ્યાઓ સાંભળશે અને તેનું નિરાકરણ કરશે. ૬ જાન્યુઆરીના રોજ સીએમ આવાસ પર પ્રથમ જનતા દરબારનું આયોજન કરવામાં આવશે. આ માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મોહન યાદવ પહેલા રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી અને દિગ્વીજય સિંહે જનતા દરબાર યોજ્યો હતો. જા કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ક્યારેય આ અંગે કોઈ પહેલ કરી નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ જનતા દરબાર ૬ જાન્યુઆરીએ સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી યોજાશે. મુખ્યમંત્રી મોહન યાદવ પોતે સીએમ હાઉસ પહોંચેલા લોકોને મળશે અને તેમની સમસ્યાઓ સાંભળશે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર
રહેશે જેઓ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જનતા દરબારમાં ટ્રાન્સફર અને પોસ્ટીંગ જેવા મુદ્દાઓ પર કોઈ સુનાવણી નહીં થાય. અહીં માત્ર બીમાર અને જરૂરિયાતમંદ લોકોની અરજીઓ સાંભળવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે જનતા દરબારમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકોને પ્રાથમિકતા મળશે. સીએમ પોતે તે લોકોની સમસ્યા સાંભળશે. પ્રથમ જનતા દરબારમાં ૫૦૦ થી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતા છે. આ માટેની તૈયારીઓ વિભાગ કક્ષાએથી શરૂ કરી દેવામાં આવી છે.
મોહન યાદવ પહેલા પૂર્વ સીએમ ઉમા ભારતીએ પણ જનતા દરબારનું આયોજન કર્યું હતું. પૂર્વ સીએમ ઉમા ભારતી ૨૦૦૩માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તે લોકોની સમસ્યાઓ સાંભળતી અને તેનું નિરાકરણ કરતી. એવું કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો પોતાની ફરિયાદ લઈને જનતા દરબારમાં પહોંચતા હતા જેના કારણે તેને બંધ કરવો પડ્યો હતો. મધ્યપ્રદેશમાં જનતા દરબારનું આયોજન શરૂ કરનાર દિગ્વીજય સિંહ સૌથી પહેલા હતા. ૧૯૯૩ થી ૨૦૦૩ સુધી દિગ્વીજય સિંહ સીએમ આવાસ પર ખુદ લોકોની સમસ્યાઓ સાંભળતા હતા.
જો કે, સૌથી વધુ સમય સુધી મધ્યપ્રદેશના સીએમ રહેલા શિવરાજ સિંહ ચૌહાણે જનતા દરબારને લઈને કોઈ પહેલ કરી ન હતી. શિવરાજ સિંહ ચૌહાણ સીએમ આવાસ પર આવતા લોકોને મળતા હતા પરંતુ તેમણે ક્યારેય જાહેર દરબાર કર્યો નથી.