અમરેલીમાં બોગસ લેટરકાંડ મામલે પોલીસે યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવા બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે આક્રોશ વ્યકત કરી મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે જિલ્લામાં બેફામ દારૂનું વેચાણ, ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે આ ગુનાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતું નથી. પરંતુ પોતાના માલિકનાં કહેવાથી પત્ર ટાઈપ કરવા બદલ યુવતીની કાયદાનું ઉલ્લંઘન કરી રાત્રીના ૧ર વાગે ધરપકડ કરી હતી. યુવતીને મુખ્ય રસ્તા પર ચલાવી પોલીસે ભાજપના નેતાનો અહમ સંતોષવા આ કૃત્ય કરેલ છે. ત્યારે આ કૃત્ય કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે. આ અંગે સમગ્ર ઘટનાની જાણકારી મેળવવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર દીકરીને મળવા જેલમાં પહોંચ્યા હતા અને તેની સાથે વાતચીત કરી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, બોગસ લેટરકાંડ મુદ્દે આરોપીઓને સ્થળ મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જે તે સમયે કોઈ અતિશયોક્તિ ઉપયોગ કરેલ નથી તેમજ સમગ્ર પ્રક્રિયામાં કાયદાનું પાલન કરવામાં આવેલ છે. પોલીસે ન્યાયનાં હિતમાં જ કામ કરેલ છે.