મહાપુરૂષોની ક્રિયા – સિધ્ધિ તેમના તેજ, ઉત્સાહ પર નિર્ભર કરે છે. સાધનો પર નહિ. નિશ્ચયની પરિપકવતા, અંતર્મુખી ચિંતનથી રાગ-દ્વેષ પેદા થાય છે. ઈચ્છાઓ, આવશ્યકતાઓની પૂર્તિ ન થવાથી દુર્ગુણ વધે છે. જેનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડે છે. મનુષ્યની શક્તિ વિખેરાય જાય છે અને તે ઉત્સાહહિન બનીને રોગી બની જાય છે. પાશ્ચાત્ય મનોચિકિત્સક ડા. વિલીયમ બ્રાઉને માનસિક ચિકિત્સાના ચાર અંગ બતાવેલા છે. ૧) દમિત ભાવનું વિરેચન ૨) સમ્મોહન અને નિર્દેશન ૩) આત્મ…. અર્થાત પોતાના જીવનમાં બનેલ જુની ઘટનાઓને સાક્ષી ભાવથી જોવી તેનો અભ્યાસ કરાવવો ૪) ભાવોનું સ્થાનાન્તરણ. ડા. ચાલ્સ યુગ જેઓ ભારતીય યોગ શાસ્ત્રો અને ઉપનિષદોના પ્રેમી હતા તેમણે એક પાંચમી પધ્ધતિને ઉમેરેલ છે. ‘ રોગીના જીવનમુલ્યોનું નવનિર્માણ ’ આજના વૈજ્ઞાનિકો કોઈ એક પધ્ધતિને એકાંકી માને છે. તેથી તેઓ આ બધી સરળ પ્રક્રિયાઓને સમન્વયાત્મક ઢંગથી ગ્રહણ કરવાની બાબતને ઉત્તમ ચિકિત્સા પધ્ધતિ માને છે.
માનસિક ચિકિત્સામાં બધા પ્રત્યે મૈત્રીભાવનો સદ્દઉપદેશ વેદોમાં પ્રતિપાદિત છે. અથર્વવેદના એક મંત્રમાં મૈત્રીની વ્યાપકતાને બતાવતા કહેવાયુ છે કે, બધી દિશાઓ મારી મિત્ર બનો,અર્થાત બધા જ સુખી થાઓ, બધા જ સ્વસ્થ થાઓ.
મનનો એક નિયમ છે કે, તે એક સમયમાં એક વાતને યાદ કરે છે. ચાહે તે બીમારીના સમયે રોગની બાબતમાં ચિંતા કરે અથવા સ્વચ્છતા વિષે વિચારે, તેથી મનુષ્યનું કર્તવ્ય છે કે તેમણે સદા શુભ સંકલ્પો કરવા જોઈએ. મૈત્રી અને સંતોષની ભાવના રાખવી જોઈએ. ભગવાનના મંગલમય નામોનું સંકીર્તન કરવાથી મંગલ જ થાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે, “ રામકૃપા નાસહિ સબ રોગા” તેમજ મોહ બધા રોગોનું મૂળ છે. રામ કૃપાથી બધા રોગોમાંથી મુક્ત થઈ શકાય છે. હાલમાં જેને ડીપ્રેશન કહેવામાં આવે છે. તેને આયુર્વેદના ગ્રંથોમાં ‘ચરક સહિતા’ મૂજબ આ રોગના મુખ્ય ત્રણ કારણો આ પ્રમાણે છે. મલિન આહાર સેવન ઃ-રોજે રોજ અથવા વારંવાર મલિન આહારનું સેવન કરવાથી રોગ થાય છે. મલિન આહાર અર્થાત વાસી આહાર, તામસિક આહાર, બિન પોષણયુક્ત આહાર. શારીરિક આવેગોને રોકવાઃ આધુનિક યુગમાં મહાનગરોમાં તનાવ ભરી જીંદગી જીવતા લોકો મળ, મૂત્ર, વમન વગેરે શારીરિક આવેગોને રોકી રાખે છે. કારણકે જે તે સમયે તેનું વિરેચન કરવાની સગવડ હોતી નથી પરિણામે અનેક શારીરિક, માનસિક રોગો ઉત્પન્ન થાય છે. અનુસુચી આહારનું સેવન:- જ્યારે મનુષ્ય અતિ શીતળ, અતિ રૂક્ષ, અતિ ઉષ્ણ આહાર અને પેય પદાર્થોનું સેવન કરે અથવા વિપરીત આહારનું સેવન કરે તેથી રોગો ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે. જ્યારે મનુષ્ય લગાતાર આવા અનુસુચી આહારનું સેવન કરે તેથી વાત, પિત, કફના પ્રકોપદોષ હૃદયસ્થ થઈને મગજની, બુધ્ધિની શિરાઓ અને ધમનીઓમાં વ્યાપ્ત થઈ જાય છે. મન રજોગુણ તથા તમોગુણને આધીન થઈ જાય છે અને મનની વ્યાકુળતા વધી જાય છે. આવા રોગીમાં સારા નરસાનો વિવેક કરવાની ક્ષમતા રહેતી નથી. મનોચિકિત્સકો આવા લક્ષણોથી યુકત રોગને ડીપ્રેશન કહે છે.
આ રોગમાં રોગી હતાશામાં રહે છે. શંકાશીલ રહે છે. એકની એક વાત તેના મનમાં ધોળાયા કરે છે. કાલ્પનિક ભયને કારણે હૃદયની ગતિ વધી ઘટી જાય છે. શરીરનો રંગ પીળો પડી જાય છે.
આવા રોગીને સ્વસ્થ બનાવવા માટે સર્વ પ્રથમ તેની આહારશુધ્ધિ કરાવવી જોઈએ. તામસી આહાર સંપૂર્ણપણે બંધ કરાવવો જોઈએ. ઉચિત આરામની વ્યવસ્થા આપવી જોઈએ. રોગીને કોઈપણ પ્રકારનો માનસિક આઘાત ન લાગે તે માટે તેવી વાતો અને પ્રવૃતિઓથી દૂર રાખવો જોઈએ. તેને સમજવાની કોશિષ કરવી જોઈએ. રોગીને પૌષ્ટિક આહાર અને આનંદ તથા હુંફ મળે તેવું વાતાવરણ ઘરમાં સર્જવું જોઈએ. આ રોગ ધીરે ધીરે મટે છે. તેથી પરિવારના સભ્યોએ ખૂબ જ ધૈર્ય રાખીને લાંબો સમય સારવાર માટે તૈયાર રહેવું જોઈએ.
આયુર્વેદિક ઔષધોમાં મુખ્યત્વે ૧. બ્રાહ્મીનો સ્વરસ બ્રાહ્મી
ધૃત સાથે અથવા પંચગવ્ય ધૃત સાથે નિયમિત આપવો જોઈએ. ૨. શંખપુષ્પીનો સ્વરસ પણ આપવો જોઈએ. ૩. ૧૫૦ મિ.લિ. દૂધમાં બ્રાહ્મી અને શંખપુષ્પી તથા ૨ ગ્રામ વચા નાંખીને મિશ્રણ કરીને આપવાથી સારો લાભ થાય છે.
આ ઉપરાંત ‘સારસ્વતારીષ્ટ’ ચૂર્ણ અથવા સીરપ જમ્યા પછી દિવસમાં બે વખત તથા અશ્વગંધા ચૂર્ણ અથવા સીરપ જમ્યા પછી બે વખત દર્દીને આપ્યા પછી ઝડપથી સ્વસ્થ થાય છે. તેમજ કૃષ્ણચતુર્મુખ રસ ૧૨૫ મિલિગ્રામ, ૧૦ ગ્રામ બ્રાહમી ધૃત સવાર સાંજ ગાયના દૂધ સાથે આપવાથી સારૂ પરિણામ મળે છે. દર્દીના માથાના વાળ એકદમ ટૂંકા કરાવીને વિષ્ણુતેલથી માથામાં માલીશ કરવું જોઈએ.
રામચરિત માનસમાં ભરતજી ત્રિવેણી સંગમ પર માં ગંગા યમુના અને સરસ્વતી નદીઓને સંબોધીને પ્રાર્થના કરે છે કે,
હે માતાઓ મારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેયમાંથી કાંઈ જોઈતું નથી મને જન્મોજનમ ભગવાન રામના ચરણમાં સ્નેહ રહે તેવું વરદાન આપો. માનસિક રોગી માટે સત્સંગ એ વરદાન સ્વરૂપ છે માટે ખાસ મનોરોગીને આધ્યાત્મિક વાતાવરણ પ્રદાન કરવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને દર્દી પર પ્રભુ શ્રી રામની કૃપા થાય તે રીતે પ્રયાસો કરવા જોઈએ અને આનંદદાયી વાતાવરણ સર્જવું જોઈએ.