અમરેલી લેટરકાંડના પડઘા સુરતમાં પડ્યા હતા, જેને લઈને પરેશ ધાનાણીએ પ્રદર્શન કર્યુ હતું. સુરત પોલીસે ધાનાણી ધરણા પર બેસે તે પહેલા જ તેમની અટકાયત કરાતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આ મામલે સમગ્ર તપાસ એસએમસીને સોંપાઈ છે. નિર્લિપ્ત રાય આ કેસમાં તપાસ આગળ ધપાવશે.
આજે ગુજરાતમાં હાલમાં ઉકળતા અમરેલી લેટરકાંડ અંગે પરેશ ધાનાણીએ સુરતમાં વિરોધ પ્રદર્શન કરવાના હતા. પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ વરાછાના મીની બજારના માનગઢ ચોક ખાતે ધરણા કરે તે પહેલાં જ પોલીસે તે બધાને કસ્ટડીમાં લઈ લીધા હતા. સવારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, પોલીસ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરવા આવેલા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત ૪૦ થી ૫૦ કોંગ્રેસ નેતાઓની પોલીસે અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે સ્થાનિક ગુના શાખામાં કાર્યરત ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુલિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિના મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો છે અને નજીકના ભવિષ્યમાં વધુ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.