ભારતનો આર્મી ડે ઉજવાઈ ગયો. ભારત દર વરસે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઉજવે છે કેમ કે આઝાદીનાં લગભગ દોઢ વર્ષ પછી ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના દિવસે ભારતીય લશ્કરનો હવાલો સંપૂર્ણપણે ભારતને સોંપાયો હતો. પહેલી વાર એક ભારતીય દેશના લશ્કરી વડા બન્યા હતા અને આ સન્માન મેળવનારા પહેલા ભારતીય જનરલ કે.એમ. કરિઅપ્પા હતા.
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો ત્યારે ભારતીય લશ્કર પર અંગ્રેજોનો અંકુશ હતો. સર લોકહાર્ટ ભારતીય લશ્કરના કમાન્ડર ઈન-ચીફ હતા. ૧ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ જનરલ સર ફ્રાન્સિસ બુચર ભારતના બીજા કમાન્ડર ઈન-ચીફ બન્યા. એક વર્ષ પછી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના દિવસે તેમણે ભારત સરકારને હવાલે ભારતીય લશ્કર કરી દીધું અને લેફ્ટનન્ટ જનરલ કાડાન્ડેરા એમ. કરિઅપ્પાને ભારતીય લશ્કરના કમાન્ડર ઈન-ચીફ તરીકેનો ચાર્જ સોંપ્યો.
ભારતનો ભારતના પોતાના લશ્કર પર ૧૫ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ સત્તાવાર રીતે કબજો થયો તેથી દર વરસે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે ઉજવાય છે. આર્મી ડેની ઉજવણી દેશભરમાં તમામ લશ્કરી છાવણીઓમાં થાય છે અને મુખ્ય સેલિબ્રેશન પણ અલગ અલગ સ્થળે થાય છે પણ મુખ્ય પરેડ પરંપરાગત દિલ્હી કેન્ટોન્ટમેન્ટના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં થાય છે. આ પરેડમાં પરમવીર ચક્ર વિજેતાઓના પરિવારો હાજર રહે છે તથા અશોક ચક્ર વિજેતા બહાદુર સૈનિકો ભાગ લે છે. ગેલેન્ટરી એવોર્ડ઼સ તથા સેના મેડલ પણ અપાય છે.
દેશ માટે જાન ન્યોછાવર કરનારા બહાદુર સૈનિકોને શ્રધ્ધાંજલિ અપાય છે ને તેમના બલિદાનને યાદ કરીને ગર્વની લાગણી અનુભવાય છે. લશ્કરી સરંજામ અને બીજી ચીજોનું પ્રદર્શન પણ થાય છે. આર્મી ડે પરેડ એક રીતે ભારતીય લશ્કરના શક્તિ પ્રદર્શન જેવી હોય છે અને દેશના લશ્કરી વડા જવાનોમાં જોશ પૂરવા પ્રવચન પણ આપે છે. ગયા વરસે આર્મી ડેની ઉજવણી બેંગલુરૂમાં થઈ હતી ને આ વખતે પૂણેમાં થઈ છે.
/////////////////////////
આર્મી ડે સાથે જનરલ કરિઅપ્પાનું નામ જોડાયેલું છે. કર્ણાટકના ખેડૂત પરિવારમાં જન્મેલા જનરલ કરિઅપ્પાને પાકિસ્તાન સામેના ૧૯૪૭ના પહેલા યુધ્ધ વખતે બજાવેલી જોરદાર કામગીરી બદલ ફિલ્ડ માર્શલનો ખિતાબ અપાયેલો તેથી ઈતિહાસમાં ફિલ્ડ માર્શલ કરિઅપ્પા તરીકે પ્રખ્યાત થયા. ભારતના ઈતિહાસમાં બે જ લશ્કરી વડાને આ સન્માન મળ્યું છે. જનરલ કરિઅપ્પા પછી ૧૯૭૧ના યુધ્ધમાં ભારતને ભવ્ય વિજય અપાવીને પાકિસ્તાનના ઉભા ફાડિયા કરી નાખનારા જનરલ સેમ માણેકશા ફિલ્ડ માર્શલ બનનારા બીજા લશ્કરી વડા હતા. ફિલ્ડ માર્શલ વિશ્વમાં કોઈ પણ દેશના લશ્કરમાં સર્વોચ્ચ રેન્ક ગણાય છે.
જનરલ કરિઅપ્પાએ પાકિસ્તાન સામેના યુધ્ધમાં બજાવેલી કામગીરી બદલ તેમને ફિલ્ડ માર્શલનો ખિતાબ અપાયો તેની બધાને ખબર છે પણ કરિઅપ્પાએ શું કરેલું એ લોકોને ખબર નથી.
આર્મી ડે પર ફિલ્મ માર્શલ કરિઅપ્પાના સાહસને યાદ કરી લઈએ.
///////////////////////////
અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયું અને સાથે સાથે ભારતના ભાગલા પણ પડ્યા. મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની વિચારધારા સાથેનું પાકિસ્તાન ભારત સાથે જ અસ્તિત્વમાં આવ્યું. આઝાદી વખતે અંગ્રેજોએ દેશી રજવાડાંને ભારત કે પાકિસ્તાનમાં ભળવાની પસંદગી કરવાની છૂટ આપી હતી. મોટા ભાગના રજવાડાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી ભારતમાં ભળી ગયા પણ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સહિત થોડા રજવાડાં ભારતમાં નહોતા ભળ્યા.
આ પૈકી હૈદરાબાદ અને જૂનાગઢ પાકિસ્તાનમાં જવા માગતા હતા જ્યારે કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા અને ભારતમાં ભળવા તૈયાર નહોતા. પાકિસ્તાનનો કાશ્મીર પર પહેલાથી ડોળો હતો. આઝાદીના એક અઠવાડિયા પછી પાકિસ્તાને કાશ્મીર કબજે કરવા ઓપરેશન ગુલમર્ગ તૈયાર કરી નાખેલું.
પાકિસ્તાને સીધું આક્રમણ કરવાના બદલે લુચ્ચાઈ કરીને પોતાના સૈનિકોને તેણે કબાઈલી બનાવીને કાશ્મીરમાં ઘૂસાડવા માંડ્યા. પાકિસ્તાને ૨૦ હજાર સૈનિકો તથા બીજા ઘૂસણખોરોને કાશ્મીરમાં ઘૂસાડી દીધા પછી આ સૈનિકોએ ૩ ઓકટોબરે પૂંચ જિલ્લાના થોરારમાં પહેલું આક્રમણ કર્યું. ૨૨ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ મુઝફ્ફરનગર ક્ષેત્રમાં હુમલો કરી દીધો. આ બંને વિસ્તાર અત્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં છે.
રાજા હરિસિંહે લશ્કરને મોકલ્યું પણ તેમાં મોટા ભાગના મુસ્લિમો હતા તેથી પાકિસ્તાને મોકલેલા સૈનિકો સાથે ભળી જતા કાશ્મીર સાવ નોંધારું થઈ ગયું. પાકિસ્તાની સૈનિકો છેક શ્રીનગર સુધી પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં રાજા હરિસિંહને ભાન થયું. તેમણે મદદ માટે ભારત સરકારને પ્રાર્થના કરી. સરદાર પટેલે હરિસિંહ સામે પહેલી શરત એ મૂકી કે, કાશ્મીર ભારતમાં ભળી જાય તો મદદ કરીએ. હરિસિંહ પાસે વિકલ્પ નહોતો તેથી તેમણે ભારતમાં ભળી જવાના કરાર પર સહી કરવાની તૈયારી બતાવી.
///////////////////////////
સરદાર પટેલ એક્શનમાં આવ્યા અને તેમણે રાતોરાત શ્રીનગરના એરપોર્ટ પર ભારતીય સૈનિકોને ઉતારી દીધા. જનરલ થિમૈયાના નેતૃત્વમાં ભારતીય લશ્કરે શ્રીનગર બચાવી લીધું પણ કેટલાય વિસ્તારો પાકિસ્તાનના કબજામાં હતા અને તેમાં સૌથી મહત્વનો ઝોજીલા પાસ હતો.
પાકિસ્તાની લશ્કરે ઓક્ટોબરમાં ઝોજીલા પાસ પર કબજો કરી લીધેલો. પાકિસ્તાની લશ્કર દ્રાસ અને કારગિલ પર કબજો કરવા આગળ વધતું હતું. કારગિલ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર દૂર આવેલું છે જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના સ્કારડુથી ૧૭૩ કિલોમીટર દૂર છે. આ કારણે વ્યૂહાત્મક રીતે કારગિલ મહત્વનું છે.
કારગિલ પર કબજો થાય તો કાશ્મીર ખીણ અને લેહ-લદ્દાખ પર પણ આસાનીથી કબજો કરી શકાય તેથી પાકિસ્તાને ઝોજીલા પાસ પર કબજો કરીને લેહ-લદાખ પર કબજો કરવાનું અભિયાન શરૂ કર્યું. ભારતીય લશ્કરના વેસ્ટર્ન આર્મી કમાન્ડર તરીકે લેફ્ટનન્ટ જનરલ કરિઅપ્પા હતા.
સરદાર પટેલના ફરમાનથી કરિઅપ્પા તરત શ્રીનગર પહોંચ્યા. ઝોજીલા પાસ પાકિસ્તાન પાસેથી મુક્ત ના કરાવાય તો લેહ-લદાક હાથથી જાય તેમ હતા તેથી કરિઅપ્પાએ પહેલાં ઝોજીલા પાસને મુક્ત કરાવવાનું અભિયાન હાથ ધર્યું. તેમણે ઓપરેશન ડકની યોજના બનાવી.
આ યોજના પ્રમાણે ભારતીય લશ્કરની ૭૭ પેરાશૂટ બ્રિગેડના સૈનિકો ગૂપચૂપ ઝોજીલા પાસ પર આક્રમણ કરવાના હતા. આ યોજના પ્રમાણે ભારતીય સૈનિકોને મોકલાયા પણ સૈનિકો નીચે ઉતરી શકે તેમ નહોતા તેથી તેમણે પાછા આવવું પડ્યું અને ઓપરેશન ડક નિષ્ફળ ગયું.
જનરલ કરિઅપ્પાએ તરત જ ઓપરેશન બિસન અમલમાં મૂક્યું અને સ્પેરો તરીકે જાણીતા મેજર જનરલ રાજિન્દર સિંહને આ ઓપરેશનની જવાબદારી સોંપી.
ભારતીય લશ્કરના ઈતિહાસમાં ઓપરેશન બિસન સૌથી દિલધડક ઓપરેશન મનાય છે. બરફથી છવાયેલા પહાડો પર ટેંકોને લઈ જઈને પાકિસ્તાનને હરાવવાનું કોઈને કલ્પના ના આવે એવું ઓપરેશન હાથ ધરાયું. રાજિન્દરસિંહની યોજના પ્રમાણે ભારતીય સૈનિકોએ એમ ફાઈવ સ્ટુઅર્ટ લાઈટ ટેંક્સને છૂટી પાડીને તેમના પાટ્ર્સને શ્રીનગરથી રવાના કરાયા. પાકિસ્તાનની નજર ના પડે એ માટે કામચલાઊ બ્રિજ બનાવીને આ સામાન ઉપર લઈ જવાયો. મદ્રાસ સેપર્સની બે કંપનીએ બાલતાલથી ઝોજીલા સુધીના પથરાળ અને ખાડાટેકરાવાળા રોડને સરખો કરીને જીપ પસાર થાય એવો રસ્તો તેમણે બનાવી દીધો. પાછલા રસ્તે જઈને ઝોજીલાથી આગળ ઘુમરી સુધીનો રસ્તો પણ જીપ જાય એવો બનાવી દીધો. આ રસ્તા પર જીપો મારફતે ટેંક્સના પાર્ટ મોકલાયા. ભારતીય સૈનિકોએ તેને જોડીને ટેંક્સ બનાવી દીધી અને પાકિસ્તાનને તેની ગંધ સુધ્ધાં ના આવી.
આ બધી તૈયારી પછી ૧ નવેમ્બરની વહેલી સવારે પાકિસ્તાની સૈનિકો હજુ ઘોરતા હતા ત્યારે જ રાજિન્દરસિંહ જીપમાં પોતાના સૈનિકોને લઈને નીકળ્યા. ટેંકોએ પણ કૂચ શરૂ કરી અને પેરાશૂટ સોલ્જર્સ પણ ઉતર્યા. પાકિસ્તાન કંઈ સમજે તે પહેલાં તો ધડાધડી શરૂ થઈ ગઈ. પાકિસ્તાની સૈનિકોમાં કેટલાંયના ઢીમ ઢળી ગયા. પાકિસ્તાની સૈનિકો ઝોજીલાથી ઘુમરી તરફ ભાગ્યા પણ ત્યાં પણ આપણું લશ્કર ટેંકો સાથે સ્વાગત માટે તૈયાર હતું.
કલાકોમાં તો પાકિસ્તાનની ટુકડીને સાફ કરીને ઝોજીલા પાસ પર ભારતે કબજો કરી લીધો. રાજિન્દરસિંહની આગેવાનીમાં ટુકડીએ આગેકૂચ કરીને લેહથી કારગિલ તરફ પણ હલ્લાબોલ કરી દીધેલું. ૨૪ નવેમ્બરે બંને ટુકડીઓ કારગિલમાં ભેગી થઈ. તેમની સામે ટકવાનું પાકિસ્તાનનું ગજું નહોતું તેથી એ લોકો મેદાન છોડીને ભાગ્યા ને સ્કરડુમાં જઈને ભરાયા.
જવાહરલાલ નહેરૂ આ મામલો યુનાઈટેડ નેશન્સમાં લઈ ગયા તેથી ભારતીય લશ્કરે અટકી જવું પડ્યું. બાકી જનરલ કરિઅપ્પાની યોજના તો પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પણ કબજે કરી લેવાની હતી.
નેતાઓના કારણે આખું કાશ્મીર આપણે પાછું ના મેળવી શક્યા પણ લેફ્ટનન્ટ જનરલ કરિઅપ્પાના કારણે વ્યૂહાત્મક રીતે મહત્વનો ઝોજીલા પાસ પાછો મળતાં બાકીનું કાશ્મીર બચી ગયું.
ફિલ્ડ માર્શલ કરિઅપ્પાના આ યોગદાનને યાદ કરીને સલામ કરીએ.
sanjogpurti@gmail.com