પશ્ચિમે દુનિયાને વિજ્ઞાન આપ્યું છે, અને પૂર્વે દુનિયાને સંન્યાસ આપ્યો છે, એવું ઓશોએ એક વખત કહ્યું હતું. એમણે કહ્યું હતું કે સંન્યાસ અહોભાવથી લો, કોઈ આકાંક્ષાથી નહિ, મોજથી. જીવનની શૈલીને બદલવાની છે આમાં. જો કે ઓશોએ પોતાના પ્રવચનોમાં ભોગને વધારે મહત્વ આપ્યું હતું. અમેરિકા જઈને ખુબ મોટો આશ્રમ ખોલ્યો હતો. વિજ્ઞાને પશ્ચિમને ભૌતિક પ્રગતિ કરાવી અને પૂર્વ આધ્યાત્મિક પ્રગતિના પંથે રહ્યું. પશ્ચિમનું વિજ્ઞાન દુનિયામાં ફેલાઈ ગયું, એવું પશ્ચિમના ધર્મની બાબતમાં નથી થયું. વિજ્ઞાન રહસ્યની દુનિયા છે, ધર્મ શ્રદ્ધાનું વિશ્વ છે. વિજ્ઞાનની ધરી પ્રશ્ન છે જયારે ધર્મની ધરી ઉત્તર છે. માણસના દિમાગમાં ઉઠતા પ્રશ્નો વિજ્ઞાનને આગળ ધપાવવાનું મુખ્ય ચાલકબળ છે. જયારે માણસના મનમાં ઉઠતા પ્રશ્નોનું શમન ધર્મમાં રહેલું છે. પશ્ચિમની કઠીન આબોહવા કદાચ પશ્ચિમને વિજ્ઞાનના માર્ગે દોરી ગઈ હશે. જીવન સરળ બનાવવા શોધ જરૂરી છે, અને શોધ કરવા વિજ્ઞાનનો આશરો જરૂરી છે. કદાચ પશ્ચિમમાં જીવન પછીના જીવનનો ખ્યાલ એટલો દ્રઢ નથી એટલે વર્તમાનને બહેતર બનાવવાનો સમગ્ર પ્રયાસ રહ્યો હશે. ભારતમાં જીવન બાદ જીવની ગતિનો વિસ્તૃત ખ્યાલ છે. એટલે મર્યા પછીનું જીવન બહેતર બનાવવાનો ખ્યાલ આ જીવન બહેતર બનાવવાના ખ્યાલ સાથે સમાંતર ચાલ્યો આવ્યો છે.
ભારતમાં પશ્ચિમને ગાળો દેવાની એક ફેશન સતત ચાલતી રહી છે, પરંપરા, સંસ્કાર, આધ્યાત્મ જેવા આયામો પર ભારત અને પશ્ચિમના ભેદને સતત આગળ ધરીને પશ્ચિમ એ બાબતમાં પૂર્વથી ઉણું ઉતરે છે એવું સાબિત કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. એક અંતર સુધી એ સાચું પણ છે. પણ બીજી બાજુ પશ્ચિમ જે બાબતમાં આગળ છે, તેની સરખામણી લાંબા સમય સુધી થઇ જ નહોતી. ભોજન વિના ભજન નહિ, આપણી જ ઉક્તિ આપણને યાદ નહોતી. હિન્દુસ્તાનનો ધર્મ ઘણા સમય સુધી બાવાબાજીમાં અટવાયેલો રહ્યો, આજે પણ ખાસ્સો મોટો વર્ગ ધર્મ કરતા બાવાઓનું શરણ વધારે લે છે. કવિ અનીલ જોશીએ એક વખત કહેલું કે આજકાલ દરેક શેઠિયો એક બાવો પાળે છે. હિન્દુસ્તાનનો આસ્થાળુ સાધુ અને બાવાની વ્યાખ્યામાં ફસાઈ ગયો છે. સાધુ ધર્મનું એક ઉતુંગ શિખર છે, પૂજ્ય છે. બાવો વ્યવસાયિક છે. કૌભાંડ કરી શકે છે.
પશ્ચિમના ધર્મમાં એટલા વિવિધ પાત્રો નથી, જ્યાંથી માણસ પોતપોતાના સ્વભાવ અનુસાર હીરો પસંદ કરી શકે. પૂર્વ જેટલો ધર્મ વ્યક્તિગત જીવન સાથે વણાયેલો નથી. પશ્ચિમનો હીરો કોણ છે ? જે ત્યાંની માનવજાત માટે કોઈને કોઈ ખૂણેથી ઝઝૂમી ગયો છે, એ પશ્ચિમનો હીરો છે. અમેરિકાના પ્રમુખ કેનેડીએ એક વખત કહેલું કે સવારે આઠ વાગ્યે ટીફીન લઈને ઘેરથી કામ પર નીકળી જતો દરેક અમેરિકન હીરો છે. હિંદુ ધર્મમાં હીરો કોણ હોય છે ? હિંદુ ધર્મના ધર્મગ્રંથોમાં અનેકો પાત્રો છે, મહાકાવ્યોના નાયકો ભગવાન રામ અને શ્રીકૃષ્ણથી લઈને જટાયુથી ખિસકોલી સુધીના પ્રેરણા સ્ત્રોત ઉપલબ્ધ છે. દરેક શ્રદ્ધાળુ પોતાની મતિ અને ક્ષમતા પ્રમાણે પોતાનો હીરો ધારી શકે છે.
પૂર્વ અને પશ્ચિમ બંનેમાં આજે સમાંતર ઘટનાઓ ઘટી રહી છે. ભારતમાં આજે આસ્થાનું મહાપર્વ… પૂર્ણ મહાકુંભ પ્રયાગરાજ ખાતે યોજાઈ રહ્યો છે. ૧૪૪ વર્ષે એક વખત આવતા આ હિંદુ મહાપર્વમાં એક અંદાજ મુજબ આશરે ચાલીસ કરોડ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવાના છે. આસ્થાનું આ ચરમ અને બહોળા ફલકનું અંતિમ છે. પ્રયાગરાજ આખું ભગવા રંગે રંગાઈ ગયું છે. કોઈ એક સ્થળે એક સાથે ચાલીસ કરોડ માણસો એક આસ્થાના તાંતણે ખેંચાઈને આવે એ આધ્યાત્મ દ્વારા જ સંભવ છે. વિશ્વના દરેક ખૂણે ફેલાયેલા આશરે એકસો વીસ કરોડ હિન્દુઓ માહેનો દર ત્રીજો હિંદુ આ મહાકુંભમાં આવવાનો છે. કોઈ પ્રલોભન વિના માત્ર સ્વયંભુ શ્રદ્ધા જ આ શક્ય બનાવી શકે છે. બીજી બાજુ વિશ્વની સૌથી જૂની લોકશાહી અને સૌથી મોટી આર્થિક તાકાત, અમેરિકામાં સત્તા પરિવર્તન થઇ રહ્યું છે. શપથગ્રહણમાં કોને કોને આમંત્રણ મળ્યું ? થી શરુ થઈને પહેલા દિવસે અમેરિકન રાષ્ટ્રપ્રમુખે લીધેલા સો ઝડપી નિર્ણયોની ચર્ચા વિશ્વમાં ચાલી રહી છે. દરેક દેશ પોતાને શું ફાયદો થશે અને શું નુકસાન થશે તેના ગણિત બેસાડી રહ્યો છે. બીજા કોઈ દેશમાં સત્તા પરિવર્તનની આટલી ચર્ચા કે અસર થતી નથી. તો શા માટે અમેરિકાના સત્તા પરિવર્તનની ચર્ચા અને નફાતોટા સમીકરણો મંડાય છે ? અમેરિકા પશ્ચિમનો ફ્રંટ ફેઈસ છે. અમેરિકા જાપાન પર અણુબોમ્બ ફેંકીને લાખોનો સંહાર કરી શકે છે, વિશ્વના અસંખ્ય દેશોના ઝગડામાં ઉતરીને એ દેશને હતો નહોતો કરી શકે છે, એ જ અમેરિકા ન્યુકિલીયર પરીક્ષણ બદલ ભારત પર આર્થિક પ્રતિબંધો ઠોકી શકે છે. એ બીજી વાત છે કે એ પ્રતિબંધોનો વિરોધ અમેરિકાની જ ઘણી કંપનીઓએ કરેલો. સમરથકો નહિ દોષ ગુંસાઈ.
ભારતનો મોટો વર્ગ આજે પણ ગોરી ચામડીનો અહોભાવ ધરાવે છે. કોઈપણ બાબત હોય, ભારતના મીડિયામાં પાડોશીના છોકરા છોકરીના માર્ક્સની સરખામણીની જેમ ભારત અને અમેરિકાની સરખામણી કરવાની એક ફેશન ચાલતી રહે છે. ત્યાંની માળખાકીય સુવિધાઓ, સમાજ જીવનની સ્વતંત્રતા, આર્થિક સધ્ધરતા, જાહેર શિસ્ત, સારું સ્વાસ્થ્ય, સમયબદ્ધતા, કાયદાકીય સરંક્ષણ બધા આયામો પર આપણે ભારતની સરખામણી અમેરિકા સાથે કરીએ છીએ. અને આપણે તેમનાથી ખુબ પાછળ છીએ તેવું ચર્ચાના અંતે જાહેર કરી દઈએ છીએ. ભારતમાં કોઈ બનાવ બને એટલે તાર પર બેઠેલા કાગડાઓ એક પથ્થર કે અવાજથી જે એક સાથે ઉડે તેમ રોટીજીવી, કલમઘસું જમાત એકસાથે કાગારોળ મચાવી દે છે કે જુઓ ત્યાં આવું છે અને આપણે ત્યાં તેવું નથી. અમેરિકા કોઈ નીતિ ભારતની તરફેણમાં કરશે અને ભારતને તેનો લાભ મળશે એવી ધારણાઓ વાહિયાત છે. ભારત આજે જાતમુસ્તાક છે. પોતાની નીતિઓથી પોતાના રસ્તા અખત્યાર કરતો દેશ છે. કોઈપણ અવગણી ન શકે તેવું એકસો ચાલીસ કરોડ ગ્રાહકોનું બજાર છે, જેની ખરીદશક્તિ સતત વધી રહી છે.